Surat: ફરજિયાત હેલ્મેટના નિયમનું કડક પાલન, હેલ્મેટ વિનાનાં મહાનગરપાલિકાના કર્મચારીઓને દંડ કરાયો
Surat ગુજરાત રાજ્યમાં હેલ્મેટનો નિયમ અમલમાં મૂકવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને માર્ગ અકસ્માતને કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓને અંકુશમાં લઈ શકાય. રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટના નિયમોનું પાલન કરે તે માટે ગુજરાત રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ કાયદાનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. આ નિયમના પહેલા જ દિવસે પોલીસે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કે જેઓ હેલ્મેટ વિના આવે છે તેમની પાસેથી દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે.
ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસ તૈનાત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી જેથી હેલ્મેટ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવે પોલીસ પાલિકાના દરેક દ્વારે પહોંચી હતી. પોલીસના પરિપત્ર છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક કર્મચારીઓ હેલ્મેટ વિના કામ પર પહોંચી ગયા હતા. જોકે, પોલીસે સવારે પાલિકાના ગેટ પર પહોંચીને હેલ્મેટ વિનાના કર્મચારીઓને ચેતવણી આપી હતી અને મહાનગરપાલિકાના ગેટ પર દંડ વસૂલવાનું શરૂ કરી દીધું છે જેના કારણે હેલ્મેટ વગર આવતા કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટર મુગલીસરા ખાતે મંગળવારે સવારે મુખ્ય ગેટ પર મોટર સાયકલ પર હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓને સુરક્ષા જવાનોએ અટકાવ્યા હતા. તેને ત્યાં હાજર ટ્રાફિક પોલીસે હેલ્મેટ વિના મોટરસાઇકલ ચલાવવા બદલ દંડ ફટકાર્યો હતો.