- 2016માં જાહેરાત કરવામાં આવી હતી, સાત વર્ષ પછી રિડેવલપમેન્ટ કરી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાશે.
Surat: સુરતમાં રેલવે સ્ટેશનનો રિડેવપમેન્ટનો પ્રોજેક્ટ સાત વર્ષ પછી શરૂ થયો છે. 2016માં આ રેલવે સ્ટેશનના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. હવે ડિઝાઇન સહિત અનેક ફેરફારો કરાયા પછી આ પ્રોજેક્ટનું ટેન્ડરીંગ શરૂ થયું છે. પહેલા ચરણમાં 980 કરોડના કામો થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ 48 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 1475 કરોડ થવાની શક્યતા છે જેમાં રાજ્ય સરકારના 462 કરોડ રૂપિયા છે. સુરત રેલ્વે સ્ટેશનને વર્લ્ડક્લાસ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સિમેન્ટ યાર્ડને ખાલી કરીને બેરીકેટ લગાવી દેવાયા છે. હવે ત્યાં નવા પ્લેટફોર્મ બનાવાશે.
આગામી દિવસોમાં હાલના સ્ટેશનના પ્લેટફોર્મનું ક્રમશ: ડિમોલીશન કરી બાંધકામ શરૂ કરાશે. હાલમાં સુરતથી ઉપડતી ટ્રેનો ઉધનાથી ઉપડશે. આ માટે રેલવે બોર્ડની પાસેથી મંજૂરી માંગી છે. સુરત સ્ટેશનનું કામ શરૂ થશે ત્યારે ઉધના સ્ટેશન ઉપર બનાવાયેલા બે નવા પ્લેટફોર્મનો ઉપયોગ ટ્રેનોને ડાયવર્ટ કરવા માટે કરી શકાશે.
હાલમાં સુરત સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ, સુરત અમરાવતી એક્સપ્રેસ, સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ સહિતની અનેક ઇન્ટરસિટી અને મેમુ ટ્રેનો ઉપડી રહી છે. આ તમામ ટ્રેન ચોથા નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડે છે, પરંતુ હવે આ ટ્રેનને ઉધના ડાયવર્ટ કરીને ત્યાંથી ઉપાડવા માટે તજવીજ શરૂ કરાઈ છે.
સુરતના નવા રેલવે સ્ટેશનમાં 9 મીટરથી વધુનો ટ્રેક હશે. 10900 ચોરસમીટર એરિયા રહેશે. 41 લિફ્ટ અને 70 એસ્કેલેટર બનાવાશે. પ્રત્યેક પેસેન્જરને ટ્રેન આવવાની હશે તે પહેલાં એટલે કે 20 મિનિટ પહેલાં પ્લેટફોર્મમાં જવાની પરમિશન મળશે.
ગુજરાત સરકારના 462 કરોડ રૂપિયાના હિસ્સા સહિત 1475 કરોડ રૂપિયાની અંદાજીત ખર્ચ થી આ સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પહેલા ચરણમાં 980 કરોડ રૂપિયાના કામ થશે, જેમાં રેલવેનો હિસ્સો 683 કરોડ રૂપિયા, જ્યારે ગુજરાત સરકારનો 297 કરોડ રૂપિયા છે. મે, 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂરો કરવાનું લક્ષ્યાંક રેલવે મંત્રાલયે રાખ્યું છે.
નવા રેલવે સ્ટેશનમાં શું હશે સુવિધા:
- અલગ એન્ટ્રી-એક્ઝિટ સાથે કોન્કોર્સ અને VIP લાઉન્જ હશે.
- ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન હેઠળ બસ સ્ટેશન પણ બનાવાશે.
- 18 મીટરની ઊંચાઈ પર રૂફ પ્લાઝા-કોમર્શિયલ પ્લાઝા પણ હશે.
- મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ બનશે
- રેલ્વે, બસ, મેટ્રો, BRTS, ખાનગી વાહનો, રસ્તાઓ એકિકૃત થશે.
- ઇન્ટરસિટી બસ સ્ટેશન.
- આંતરરાજ્ય બસ સ્ટેશન.
- અદ્યતન વ્યાપારી ટાવર.
- 4 વધારાના પ્લેટફોર્મ તથા મોલ.