Surat: લો બોલો, સુરત મહાનગરપાલિકામાં માત્ર વહીવટી વિભાગમાં 2622 માંથી 920 જેટલી જગ્યા ખાલી, કર્મચારીઓ કામગીરી કેવી રીતે કરશે?
સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિ દ્વારા સુરત મહાનગદરપાલિકામાં વર્ષોથી ખાલી પડેલી અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યા ભરવા માટે માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથો સાથ મહત્વના પડતર પ્રશ્નોને લઈ પણ યુનિયન દ્વારા સત્વરે ઉકેલ લાવવાની માંગણી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં વહીવટી કેડરમાં બઢતીથી નિયત થયેલી જગ્યાઓ
(1) આસિ.મેનેજર,શિડ્યુલ મુજબ મંજુર કુલ 18 જગ્યાઓ પૈકી,માત્ર 4 જગ્યા ભરાયેલી છે જ્યારે 14 જગ્યાઓ ખાલી છે.
(2) સેકશન ઓફિસરની શિડ્યુલ મુજબ કુલ મંજૂર જગ્યાઓ 91 પૈકી,માત્ર 30 જગ્યા ભરાયેલી છે,61 જગ્યાઓ ખાલી છે.
(3) પ્રથમ શ્રેણી કલાર્ક, શિડ્યુલ મુજબ કુલ મંજુર જગ્યાઓ 183 પૈકી 79 જગ્યાઓ ભરાયેલ છે, જ્યારે 104 જગ્યા ખાલી છે.
(4) બીજી શ્રેણી કલાર્ક, શિડ્યુલ મુજબ કુલ મંજૂર જગ્યાઓ 671 છે.જે પૈકી 171 જગ્યા ભરાયેલી છે,જ્યારે કુલ 500 જગ્યા ખાલી છે.
(5) ત્રીજી શ્રેણી કલાર્ક શિડ્યુલ મુજબ કુલ મંજૂર જગ્યાઓ 1659 પૈકી 1409 જગ્યા ભરાયેલી છે,જ્યારે 250 જગ્યા ખાલી છે.
યુનિયનના પ્રમુખ ઈકબાલ શેખે જણાવ્યું કે વહીવટી વિભાગની 920 જેટલી જગ્યાઓ હાલમાં ખાલી છે.જે તાકીદે બઢતીથી ભરવા અંગે સુરત સુધરાઇ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા કમિશનર તથા ડે.કમિશનર (મધ્યસ્થ મહેકમ)ને લેખિત આવેદનપત્ર આપી તમામ ખાલી જગ્યાઓ, તાકીદે બઢતીથી ભરવા રજુઆત કરવામાં આવી છે.તેમજ વહીવટી કેડરની અન્ય પડતર માંગણીઓ તાકીદે પરી કરવા પણ રજુઆત કરાઈ છે.
વિશેષ માંગણી કરતાં તેમણે જણાવ્યું કે, પ્રમોશનની પ્રક્રીયા દરેક કેડરમા માસ ટુ માસ કરવામાં આવે, જેમકે કોઈ કર્મચારીનો નંબર હવે પછી પ્રમોશનમાં છે અને બઢતી જોગ જગ્યા ખાલી છે. તો વધુમાં વધુ એક માસ બાદ તેને પ્રમોશન મળી રહે,તે મુજબની ઝડપી પ્રકીયા કરવામાં આવે. તે માટે કર્મચારીઓના કામગીરીના મુલ્યાંકન અહેવાલ, સીસીસી વિગેરે.અગાઉથી મંગાવી લેવા જોઈએ તેમજ ડી.પી.સી.ની પ્રકીયા પણ દર માસે થાય તે મુજબ વ્યવસ્થા ગોઠવવા ભારપુર્વક રજુઆત કરવામાં આવી છે. જેથી નિવૃતિની આરે આવેલ કર્મચારી કે અધિકારી બઢતીથી વંચિત રહી ન જાય.
વધુમાં તેમણે જણાવ્યું કે તમામ વહીવટી કેડરની મંજુર જગ્યાઓ પૈકી શહેરના હદ વિસ્તરણ બાદ મંજુર શિડયુલમાં વધારો થયેલો નથી.જેના કારણે એક કર્મચારીને ત્રણ ટેબલની કામગીરીનું ભારણ રહેતું હોય છે. જેથી વહીવટી કેડરની તમામ મંજુર જગ્યાઓમાં વધારો કરવામાં આવે,તેવી માંગણી કરાઈ છે. અગાઉ જે બીજી શ્રેણી કલાર્ક કર્મચારીઓ પાસે મુલ્યાંકન અહેવાલ મંગાવવામાં આવ્યો છે, તેવા કર્મચારીઓને તાકીદે પ્રથમ શ્રેણી કલાર્કમાં પ્રમોશન આપવામાં આવે.ત્રીજી શ્રેણી કલાર્કને 10 વર્ષના પ્રથમ ઉચ્ચતર દરમ્યાન મળતાં ગ્રેડ-પેની વિસંગતતા દૂર કરવામાં આવે.તેમજ વર્ગ-4ના ગ્રેજયુંએટ થયેલ(પરીપત્ર થી ફોર્મ ભરાયેલા છે) જેને એક વર્ષ વિતી ગયો છે. જે કર્મચારીઓને ત્રીજી શ્રેણી કલાર્કની ખાલી જગ્યામાં તાકીદે સમાવવા માટેની પણ માંગણી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા ધ્વારા જાહેર થયેલ અનુસુચિત જાતિનું વેઈટીંગ લિસ્ટ ચાલુ હોય, જેની સમય મર્યાદા પુર્ણ થાય તે પહેલા અનુસુચિત જાતિના કર્મચારીઓને ત્રીજી શ્રેણી કલાર્કમાં તાકીદે સમાવી લેવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હોવાનું સુરત મહાનગરપાલિકા માન્ય સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના પ્રમુખ મોહંમદ ઈકબાલ શેખ અને મહામંત્રી દેવેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું છે.