Surat: 1200 કરોડની સરકારી જમીન પર અતિક્રમણ બદલ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને 106 કરોડનો દંડ
Surat ના હજીરામાં આશરે 1,200 કરોડની કિંમતની સરકારી જમીન પર અનધિકૃત અતિક્રમણ કરવા બદલ ચોર્યાસી મામલતદાર દ્વારા આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ને 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 90 દિવસની અંદર રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શરતી રીતે ફાળવવામાં આવેલી સરકારr જમીન પર ઘણા વર્ષોથી અનધિકૃત ઉપયોગ અને અતિક્રમણ અંગે ફરિયાદો મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અને સુનાવણી બાદ, મામલતદારે AMNS પર દંડ ફટકાર્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું હતું કે AMNS એ આશરે 630,000 ચોરસ મીટર સરકારી જમીન પર અતિક્રમણ કર્યું હતું, જે 10 થી 15 અલગ અલગ જમીન પાર્સલ નંબરોને આવરી લે છે. પરિણામે, AMNS ને નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં તેને પુરાવા તરીકે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એસ્સાર સ્ટીલે મૂળ 1990 માં આ જમીન પર સ્ટીલ પ્લાન્ટ અને નંદ નિકેતન ટાઉનશીપનું નિર્માણ કર્યું હતું.
જોકે, હવે AMNS મિલકતની માલિકી ધરાવતું હોવાથી, ચોર્યાસી મામલતદારે સુનાવણી પૂર્ણ કરી અને અતિક્રમણ માટે 106 કરોડનો દંડ ફટકાર્યો, જેમાં ચુકવણી માટે 90 દિવસની સમયમર્યાદા હતી. સત્તાવાર આદેશ મુજબ, પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે મિલકત જપ્ત થઈ શકે છે.
અત્રે નોંધવું ઘટે કે “સત્ય ડે” દ્વારા હજીરામાં આર્સેલર મિત્ત નિપ્પોન સ્ટીલ કંપની દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણની સામે સતત અહેવાલો પ્રસિદ્વ કરવામાં આવ્યા હતા. હજીરાની સ્થિતિનો ગંભીર ચિંતા ઉપજાવે તેવો ચિતાર પણ રજૂ કરવામાં આવ્યો હતો. “સત્ય ડે” ના રિપોર્ટ્સના અનુસંધાનમાં વહીવટી તંત્ર દ્વારા કાયદાની સોટી ઉગામવામાં આવી છે.