સોહરાબુદ્દીન-તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં જબરદસ્ત ઘટસ્ફોટ થયો છે. મુંબઇની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં મુખ્ય સાક્ષી અને સોહરાબના સાગરિત આઝમ ખાને કોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું છે કે, ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની ડીજી વણઝારાએ સોહરાબુદ્દીન શેખને સોપારી આપી હતી. આઝમ ખાને સીબીઆઇ કોર્ટને કહ્યું કે, સોહરાબુદ્દીન અને તુલસી તેના સારા મિત્રો હતા અને સોહરાબુદ્દીને મને કહ્યું હતું કે તેણે નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહિદ સાથે મળીને હરેન પંડ્યાની હત્યા કરી હતી.
નોંધનીય છે કે વર્ષ 2003ના માર્ચમાં હરેન પંડયાની હત્યા થઇ હતી. પહેલા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પકડ્યા હતા. જે પછી જાહેર કરવામાં આવ્યું હતું કે આ હત્યા કોમી તોફાનોનો બદલો લેવા કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. આ આરોપીઓએ ટ્રાયલ કોર્ટે સજા આપી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટે તમામને નિર્દોષ છોડી મુક્યા હતાં.
આઝમ ખાને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર અંગે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, તેણે જ સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસીને પોતાની ફોઇના મલ્લાતલાઇ સ્થિત મકાનની જગ્યામાં આશરો આપ્યો હતો. આ ત્રણેય લોકો અહીં જ રહેતા હતા.
મુંબઇની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ ગઇકાલે આઝમ ખાને જુબાની આપતા કહ્યું છે કે, સોહરાબ અને તૂલસી બન્ને જણા તેના મિત્રો હતા. સોહરાબ મને જણાવ્યું હતું કે વણઝારાના કહેવાથી હૈદરાબાના નઇમુદ્દીન ઉર્ફે કલીમુદ્દીન અને શાહીદે ભેગા મળીને હરેન પંડયાની હત્યા કરી હતી. સોહરાબુદ્દીન, તેની પત્ની કૌસરબી અને તુલસી પ્રજાપતિને પોતાની ફોઇના મલ્લાતલાઇ ખાતે આવેલા મકાનમાં આશ્રય આપ્યો હતો. ત્યારબાદ સોહરાબ અને તૂલસીએ અને એક વ્યક્તિની સાથે મળી અમદાવાદના બિલ્ડર પર ગોળીબાર કરાવ્યો હતો. સોહરાબને આ કામની સોપારી મળી હતી. મરિયમ મારબલના વેપારી પાસેથી પણ ઉઘરાણી માટે ધમકી આપી હતી. ઉદેપુરના હમીદલાલાના કહેવાથી આ વેપારીએ સોહરાબ સામે ફરિયાદ નોંધાવી હતી.
આથી સોહરાબના ઇશારે તૂલસીએ મુદ્દસરની સાથે ભેગા મળી 31મી ડિસેમ્બર 2004ના રોજ હમીદલાલાની હત્યા કરી હતી. આ હત્યા બાદ અમે ભાગી છૂટયા હતા. હું મોડાસા આવ્યો હતો અને 2005માં ઉદેપુર પોલીસે મારી ધરપકડ કરી હતી અને સેન્ટ્રલ જેલમાં રાખ્યો હતો.
આઝમખાને વધુ કહેતા કહ્યું કે, 27મી નવેમ્બર 2005ના રોજ મને જેલમાં ખબર પડી હતી કે સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થઇ ગયું છે. જેના ત્રણેક દિવસ પછી તૂલસી પ્રજાપતિ પણ જેલમાં આવ્યો હતો. તૂલસી ખૂબ રડયો હતો અને કહ્યું હતું કે ગુજરાત પોલીસે દગો દીધો છે. એક માણસે તેની મુલાકાત વણઝારા સાથે કરાવી હતી. વણઝારાએ સોહરાબને પકડવા માટે પોતાના પર બહુ રાજકીય દબાણ છે અને સોહરાબને પકડાવી દે છ માસમાં જામીન પર છોડાવી દઇશું. વણઝારાએ એવી પણ ઓફર કરી હતી કે તને લતીફ શેઠના સ્થાને અમદાવાદનો ડોન બનાવી દઇશું. વણઝારાની વાતમાં આવીને મેં ગુજરાત પોલીસને બાતમી આપી હતી અને હું, સોહરાબ અને કૌસરબી ત્રણેય હૈદરાબાદથી સાંગલી બસમાં આવી રહ્યા હતા ત્યારે ત્રણેયને ઉતારીને લઇ જવાયા હતા.
અમદાવાદના એક ફાર્મ હાઉસમાં રાખ્યા હતા. સોહારબને મારઝૂડ કરવામાં આવતા કૌસરે તેનો વિરોધ કર્યો હતો અને મારઝૂડ દરમ્યાન ગોળીનો અવાજ સંભળાયો હતો અને કૌસરબીની બૂમાબૂમ બંધ થઇ ગઇ હતી. ત્યારબાદ ફરીથી એક ગોળીનો અવાજ સંભળાયો હતો અને સોહરાબનો અવાજ પણ બંધ થઇ ગયો હતો.
આઝમખાને જણાવ્યું હતું કે સોહરાબ અને કૌસરબીની હત્યા પછી તૂલસીને બે ત્રણ ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યો હોવાનું તેણે મને જણાવ્યું હતું અને ત્યારબાદ રાજસ્થાન પોલીસ તેને લઇ ગઇ હતી. તૂલસી એવું બોલતો હતો કે મારી સાથે દગો થયો છે હું વણઝારાને મારીશ. જેલમાં વણઝારાનો એક બાતમીદાર અહેમદ જાબીર પણ હતો અને તેણે તૂલસીની વાત વણઝારાને પહોંચાડી હતી. 2006માં તૂલસી પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થઇ ગયું હતું.
જ્યારે તેને પ્રશ્ન પૂછ્યો કે તે આ પહેલા તમામ વાત કેમ ન કહી. તો તેનો જવાબ આપતા કહ્યું કે, સીબીઆઇના ઇન્સ્પેક્ટર એન.એસ.રાજૂને તે સમયે આ વાત કહી હતી પરંતુ તેણે એ વાત નિવેદનમાં નોધી ન હતી અને કહ્યું હતું કે આ વાતથી મોટી બબાલ થઇ જશે. આ માહિતી પીટીઆઈમાંથી લીધેલી છે.