Shravan Tirtha Darshan Scheme : સરકારી સહાયથી તીર્થયાત્રા! 1.58 લાખ શ્રદ્ધાળુઓએ અનુભવ્યો દિવ્ય અનુભવ
Shravan Tirtha Darshan Scheme : ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’એ હજારો લોકોને તીર્થસફર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 2017-18થી ચાલુ આ યોજનાનો લાભ અત્યારસુધીમાં 1.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓ લઈ ચૂક્યા છે. તીર્થયાત્રાની આ યાત્રા માટે રાજ્ય સરકારે કુલ રૂ. 20.62 કરોડની સહાય ચુકવી છે.
સરકારનો આશય – શ્રદ્ધા સાથે સેવા
તીર્થયાત્રાની ક્ષમતા ન ધરાવતા નાગરિકો, ખાસ કરીને વડીલો, માટે ગુજરાત સરકારે આશીર્વાદ સમાન યોજના અમલમાં મુકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સૂત્ર સાથે આ યોજના સમાજના ધાર્મિક સંસ્કારને મજબૂત બનાવે છે.
યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત યોજનાઓ
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચલાવાતી ‘શ્રવણ તીર્થ દર્શન’, ‘સિંધુ દર્શન’ અને ‘કૈલાશ માન સરોવર’ જેવી યોજનાઓ શ્રદ્ધાળુઓને રાજ્ય તેમજ રાજ્ય બહારના પવિત્ર તીર્થો સુધી મુસાફરી માટે સગવડ આપે છે.
ત્રણ વર્ષમાં 66 હજાર શ્રદ્ધાળુઓએ લાભ લીધો
2022-23થી 2024-25 (માર્ચ સુધી) દરમિયાન 66,233 શ્રદ્ધાળુઓએ આ યોજનાઓ હેઠળ તીર્થયાત્રા કરી છે. જેમાંથી 64,722 વડીલોએ 1,385 બસો દ્વારા યાત્રા કરી છે. સરકાર દ્વારા તેમને રૂ. 7.59 કરોડની સહાય આપી છે. આ ઉપરાંત સિંધુ દર્શન યોજના હેઠળ 1,508 યાત્રાળુઓ અને કૈલાશ માન સરોવર યાત્રા માટે 3 યાત્રાળુઓએ લાભ મેળવ્યો છે.
પ્રતિ વર્ષે વધતુ પ્રમાણ
2022-23: 34,846 વડીલો, 819 બસો, રૂ. 4.26 કરોડ સહાય
2023-24: 10,699 વડીલો, 239 બસો, રૂ. 1.36 કરોડ સહાય
2024-25: 15,537 વડીલો, 327 બસો, રૂ. 1.97 કરોડ સહાય
સિંધુ દર્શન માટે ત્રણ વર્ષમાં કુલ 1,508 શ્રદ્ધાળુઓએ રૂ. 2.26 કરોડથી વધુ સહાય મેળવી છે.
કૈલાશ માન સરોવર યાત્રા માટે રૂ. 69 હજારની સહાય આપવામાં આવી છે.
ગુજરાત સરકારનો પ્રયાસ – દરેકને તીર્થયાત્રાનો અવસર મળે
આ યોજનાઓ ખાસ કરીને વડીલ નાગરિકોને આર્થિક સહાય આપીને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવા માટે રચાયેલી છે. માનવતા સાથેની આ યોજના રાજ્યમાં ધાર્મિક પ્રવાસ માટે એક નવો માર્ગ ખુલ્લો કરે છે અને શ્રદ્ધાળુઓને જીવનમાં એક આશીર્વાદરૂપ અનુભૂતિ આપે છે.