30મી ઓક્ટોબરે પીએમ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે ત્યારે તેને લઈને ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં કેટલાક સવાલો ઉઠાવ્યા છે, શંકરસિંહે પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીને સવાલ કર્યા કે યુનિટીનો અર્થ શું થાય છે, જ્યારથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાત સામે આવી છે ત્યારથી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જેઓએ પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સરકારે સન્માન કરવું જોઇએ.
ગાંધીનગર ખાતે શંકરસિંહે જણાવ્યું કે સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવું સારી બાબત છે, પરંતુ જેઓએ સરદારને પોતાના રજવાડા આપી દીધા છે તેમનું સન્માન કરવું જોઇએ. જેમાં ખાસ કરીને વડોદરાના રાજપીપળાના રાજવીનું સન્માન કરવું જોઇએ. સરદારનું સ્ટેચ્યુ એક માર્કેટિંગ છે, જેનો ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માગે છે.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે અમદાવાદના શાહીબાદમાં આવેલા સરદાર મેમોરિયલ ટ્રસ્ટને આજસુધી કોઇ સહાય કરવામાં આવી નથી એટલું જ નહીં ત્યાં એકપણ મુલાકાત પણ લેવાની તસ્તી આ સરકારે લીધી નથી.
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે જ્યારે અમદાવાદ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવામાં આવ્યું હતું ત્યારે ભાજપે જ વિરોધ કર્યો હતો, મોદીજી તમે કોને મુર્ખ બનાવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મેડ ઇન ચાઇના છે, તમે આ સ્ટેચ્યુથી કોને ખુશ કરવા માગો છો. સરદાર સાહેબને આજે પણ અન્યાય થઇ રહ્યો છે. ભાજપે સરદારના નામે માત્ર રાજકારણ જ રમ્યુ હોવાનો તેમણે આરોપ મૂક્યો છે.