Rahul Gandhi : કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના અમદાવાદ શહેરની મુલાકાત લેશે, જ્યાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી રાજકોટના ‘ગેમ ઝોન’માં લાગેલી આગ, વડોદરામાં બોટ પલટી જવાની ઘટના અને મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના સહિત ગુજરાતમાં તાજેતરમાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પણ મળશે.
હિંદુઓ વિશેની ટિપ્પણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) કાર્યાલયની બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલા ઘર્ષણના થોડા દિવસો બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવવાના છે. અથડામણના સંબંધમાં, બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદો નોંધાવી હતી અને એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેના પગલે કોંગ્રેસના પાંચ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી હાલમાં પોલીસ કસ્ટડીમાં રહેલા પાંચ કોંગ્રેસી કાર્યકરોના પરિવારજનોને પણ મળશે. શક્તિસિંહ ગોહિલ, “રાહુલ ગાંધી લગભગ 12.30 વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળશે અને સંબોધન કરશે.
શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘રાહુલ ગાંધી રાજકોટ ગેમ ઝોન અને આવી અન્ય દુર્ઘટનાઓમાં આગમાં જીવ ગુમાવનારા પીડિત પરિવારોને પણ મળશે. તે પાર્ટીના તે કાર્યકરોના પરિવારજનો સાથે પણ વાત કરશે જેમની પોલીસ દ્વારા અથડામણ બાદ ધરપકડ કરવામાં આવી હતી.