Santvana Kendra : મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે રાહત: હવે દરેક પોલીસ સ્ટેશનમાં મળશે ખાસ સુવિધા!
ગુજરાતમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે મોટી પહેલ
દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ થશે
ગાંધીનગર, ગુરુવાર
Santvana Kendra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને સેવા માટે એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરાશે.
આ કેન્દ્રોનો મુખ્ય ઉદ્દેશ તેઓના પ્રશ્નોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવા અને જરૂરી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો છે.
‘સાંત્વના કેન્દ્ર’ની ખાસિયતો:
‘સાંત્વના કેન્દ્ર’માં ચાર મુખ્ય સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ હશે:
વુમન હેલ્પ ડેસ્ક: મહિલાઓ માટે કાઉન્સેલિંગ અને મદદની ખાસ સેવા.
ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર: કાયદાકીય સંઘર્ષમાં આવેલા બાળકો માટે માર્ગદર્શન અને કાઉન્સેલિંગ.
181-અભયમ: મહિલાઓની સલામતી માટે અહિંશક મદદગારી સેવા.
PSBSS (પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર): પીડિતો અને સંબંધિત પક્ષો વચ્ચે સમસ્યાનું સમાધાન લાવવા માટે કાઉન્સેલિંગ.
મુખ્ય લક્ષ્યાંકો:
મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ત્વરિત અને સંવેદનશીલ સેવા પૂરી પાડવી.
તેમની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવી.
પોલીસ સ્ટેશનને વધુ નાગરિકમૈત્રી બનાવવું.
સંતોષપ્રદ સેવાઓ માટે વિશેષ માર્ગદર્શિકા:
રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં આ કેન્દ્રોની કામગીરીની દેખરેખ ઈન્ચાર્જ અધિકારી અને SDPO/ACP અધિકારીઓ દ્વારા રાખવામાં આવશે. કમિશ્નરેટ વિસ્તારમાં નાયબ પોલીસ કમિશ્નર અને જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષક આ કામગીરીના સુપરવિઝન માટે જવાબદાર રહેશે.
આ નવી પહેલ પોલીસ અને નાગરિકો વચ્ચેના અંતરને ઘટાડશે અને મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતીમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.