ગાંધીનગર: ગુજરાતમાં 3જી મે સુધી લોકડાઉન યથાવત હોવાથી રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ જાહેર કરી છે. કેન્દ્રના જાહેરનામા પ્રમાણે આ છૂટછાટનો અમલ 20મી એપ્રિલથી લઇ શકાશે. રાજ્ય સરકારે વાણિજ્યિક પ્રવૃત્તિ તેમજ ઉદ્યોગ સબંધિત આવી છૂટછાટ આપી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટની બેઠકમાં ચર્ચા કર્યા પછી રોડમેપ બનાવ્યો હતો જેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ છૂટછાટ કન્ટેનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન એ આરોગ્ય વિભાગ અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને કરશે.
જિલ્લાકક્ષાએ વાણિજ્યિક અને ઊદ્યોગ સંબંધિત છૂટછાટોના અમલ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જેમાં જીઆઇડીસીના સ્થાનિક વડા, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટર, મ્યુનિલિપલ કોર્પોરેશન વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તેમજ સભ્ય સચિવ તરીકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિ ભારત સરકારની ગાઇડલાઇન મુજબ વાણિજ્યીક અને ઔદ્યોગિક એકમો કામગીરી ચાલુ કરવાની મંજુરીઓ આપશે. વાણિજ્યિક અને ઊદ્યોગો અને એકમો 20મી એપ્રિલથી પૂરતી તકેદારી સાથે શરૂ કરી શકાશે.
આ તકેદારીમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉદ્યોગ કે વાણિજ્યિક એકમોએ થર્મલ ગન, ફરજિયાત માસ્ક નો ઉપયોગ કરવાનો રહેશે. એ ઉપરાંત સેનિટાઇઝેશન, સોશિયલ ડીસ્ટનસીંગ, સ્ટેગર્ડ લંચ ટાઇમ, સ્ટેગર્ડ એન્ટ્રી અને એકઝીટ ટાઇમ અને ક્રાઉડ ન થાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે.
એટલું જ નહિ, કેમ્પસમાં શ્રમિકોને રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. જો તે શક્ય ન હોય તો કર્મચારીઓ માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સોશીયલ ડિસ્ટન્સીંગ સાથે સુનિશ્ચિત કરવાની રહેશે. જો કોઇપણ એકમ આ સૂચનાનું ઉલ્લંઘન કરશે તો આપવામાં આવેલી મંજુરી પરત લઇ એકમો બંધ કરાવી દેવાશે.
આવી મંજુરી આપવા માટે જે તકેદારી રાખવાની છે તેમાં હોટસ્પોટ જાહેર કરેલા વિસ્તારમાંથી કોઇ પણ કર્મચારી, અધિકારી, શ્રમિક કામ પર ન આવે તેની કાળજી સમિતિએ લેવાની રહેશે.