ગુજરાતમા નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને લઈ વિશદ અને ગહન ચર્ચા કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે ભાજપ સંઘની તરફ મીટ માંડીને બેઠું છે ત્યારે સંઘની કોર ગ્રુપની મીટીંગમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અને નવા મુખ્યમંત્રી કોને બનાવવા તે માટે મંત્રણા કરવામાં આવી હોવાનું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે.
‘સત્ય ડે’ દ્વારા અગાઉ લખાયું તેમ ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવા માટે સંઘ પરિવાર સક્રીય થયું છે. ગુજરાતની દશા અને દિશા બન્ને અટવાઈ પડતાં સંઘ પરિવાર દ્વારા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરી નવા મુખ્યમંત્રી તરીકે પુરુષોત્તમ રૂપાલાને બેસાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
સંઘ પરિવાર માને છે કે ગુજરાતમાં વર્તમાન ભાજપ સરકાર કોઈ પણ રીતે લોકાભિમુખ વહીવટ આપી શકી નથી. ભાજપમાં અંદરો-અંદાર કાપી-કૂપી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંઘની કોર કમિટીમાં સમાવિષ્ટ થતાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી, જે.કૃષ્ણમૂર્તિ અને દત્તાત્ર્યે હોઝબોલ વચ્ચે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનને લઈ મેરોથોન ચર્ચા કરવામાં આવી હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. હાલ ભાજપ કે સંઘમાંથી કોઈ પણ નેતા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન મામલે કશું બોલી રહ્યા નથી અને સમગ્ર મામલાને એક અફવા ગણાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં મોટાપાયા પર રાજકીય ચહલ-પહલ વધી જવાની શક્યતા જોવા મળી રહી છે.
માહિતી પ્રમાણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન અંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની પણ સેન્સ લેવામાં આવે તેવી શક્યતા છે. આનંદીબેન પટેલને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગુજરાત સરકાર એક નહી પણ અનેક મોરચે નિષ્ફળ રહી હોવાનું સંઘ પરિવારના ધ્યાને આવતા મામલો નેતૃત્વ પરિવર્તન સુધી પહોંચી ગયું છે. નવા મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગીના પાત્ર તરીકે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નામ આવી રહ્યું છે. સંઘ પરિવાર રૂપાલાના નામ પર મત્તુ મારે તો પણ આ નામને અંતિમ મંજુરી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જ આપશે એવું સ્પષ્ટ રીતે માનવામાં આવી રહ્યું છે. મુદ્દાની વાત એ છે કે નેતૃત્વ પરિવર્તનનાં મામલે અમિત શાહનું કેટલું ચાલે છે એ પણ મહત્વનું છે અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ અમિત શાહના આશિર્વાદથી જ સીએમ બનાવવામાં આવ્યા હતા. હવે અમિત શાહ ગુજરાતના બગડી રહેલા હવામાનમાં કેવું વલણ અખ્તયાર કરે છે તે જોવાનું રહે છે.