સુરતમાં ઉપરાછાપરી રેપ અને જાતીય શોષણની ઘટનાઓ બની રહી છે ત્યારે સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામી પર યુવતી સાથે દુષ્કર્મ આચરવાના આરોપ સાથે પોલીસ ફરીયાદ થતા પોલીસ કરણ સ્વરૂપદાસ નામના સ્વામીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
24 વર્ષીય યુવતીના માતા-પિતા બિમાર હોવાથી યુવતી મંદિરમાં પુજા અર્ચના કરવા આવતી હતી. મંદિરમાં દર્શન કરતી વેળા કરણ સ્વરૂપદાસ સાથે મુલાકાત થઈ હતી. સ્વામીને યુવતીએ માતા-પિતા માંદા હોવાની વાત કહેતા કારણપુર સ્વામીએ તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
મદદ કરવાના બહાને યુવતીને બોલાવી મંદિરના રેસ્ટ રૂમમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. કરણ સ્વરૂપદાસે યુવતીનો નંબર મેળવી થોડા દિવસ પછી રૂપિયા આપવાની ખાતરી આપ હતી. પણ બીજી વખત પણ કરણ સ્વરૂપદાસે યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને મદદ કરવાના બદલે શરીર સંબંધ બાંધ્યા હતા.
ઘટના અંગે યુવતીએ સુરત પોલીસમાં ફરીયાદ કરતાં કતારગામ પોલીસે યુવતીની ફરીયાદના આધારે એફઆઈઆર દાખલ કરી દુષ્કર્મ આચરનારા કરણ સ્વરૂપદાસની ધરપકડ કરી હતી. ગત મોડી રાત્રે સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા સ્વામી નારાયણ મંદિર ખાતે પોલીસે સાંયોગિક પુરાવા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેમાં કરણ સ્વરૂપદાસના રૂમ પાસેથી કોન્ડોમ મળી આવ્યા હતા. પુરાવા સાથે કોઈ છેડખાની ન થાય તેના માટે મંદિર અને સ્વામીના રૂમની ફરતે પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.
યુવતી અંગે જાણવા મળેલી વિગત મુજબ યુવતીની માતા સાડી પર સ્ટોન લગાડવાનું મજુરી કામ કરે છે જ્યારે પિતાને હાર્ટની તકલીફ હોવાથી તેઓ કામકાજ કરી શકતા નથી. યુવતી પણ સાડીનું કામ કરે છે. મંદિરે આવતી મહિલાએ યુવતીને કરણ સ્વરૂપદાસ મદદ કરશે તેવી વાત કરતા યુવતી કરણ સ્વરૂપદાસ પાસે ગઈ હતી. પણ મદદના બહાને કરણ સ્વરૂપદાસે ફાયદો ઉઠાવી યુવતીને બે વાર પીંખી નાંખી હતી.
મંદિરના ટ્રસ્ટી જયેશ ગોયાણીએ કહ્યું કે પોલીસ તપાસમાં બધું બહાર આવી જશે. સંત સમાજને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મંદિરના સંચાલકો દ્વારા પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવામા આવી રહ્યો છે.