Rajkot Fire Tragedy: રાજકોટ જે. કે. કોટેજ અગ્નિકાંડઃ તંત્રની બેદરકારીથી સર્જાયો ભયાનક અકસ્માત, RUDA-GPCBની મંજૂરી વગર ધમધમતી હતી ફેક્ટરી!
Rajkot Fire Tragedy: રાજકોટના કુવાવડા રોડ પર દિવેલીયાપરા વિસ્તારની એક ફેક્ટરીમાં ભયાનક આગ લાગતા ભારે નુકસાન થયું છે. જે. કે. કોટેજ નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં લાગી ગયેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના કારણે લોકોમાં ભારે ભય અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ફેક્ટરી RUDA (રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) અને GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની મંજૂરી વિના ધમધમી રહી હતી.
તંત્રની નિષ્ક્રિયતાએ ભયાનક ઘટનાને આમંત્રણ આપ્યું
ફેક્ટરી પાસે ફાયર NOC પણ નહોતું, એટલે કે, તંત્રએ આ ફેક્ટરી પર કોઈ કાર્યવાહી ન કરી હોવાને કારણે શ્રમિકોના જીવ જોખમમાં મુકાયા હતા. અનેક આગ દુર્ઘટનાઓ બાદ પણ તંત્ર માત્ર સહાનુભૂતિ દર્શાવે છે, પરંતુ કડક પગલાં ભરવાની કોઈ તૈયારી નથી.
ફેક્ટરી માલિકનું નિવેદન:
ફેક્ટરી માલિકે કહ્યું કે, “જ્યારે બિલ્ડિંગ બનાવવામાં આવી ત્યારે અમને GPCB અને RUDA ની મંજૂરી લેવી પડશે કે કેમ તે વિશે કોઈ જાણકારી નહતી. તંત્ર દ્વારા અમને કોઈ નોટિસ પણ અપાઈ નથી.”
ત્યારે સવાલ એ ઊઠે છે કે, તંત્ર કેટલી મોટી દુર્ઘટના બાદ જાગશે? ડીસા, સુરત અને રાજકોટની આગ દુર્ઘટનાઓ બાદ પણ તંત્રની આંખ ઉઘડે નહીં, તો નિર્દોષ શ્રમિકો માટે ન્યાય ક્યાંથી મળશે?
પોલીસ અને ફાયર વિભાગની કાર્યવાહી
કુવાવડા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વીડિયોગ્રાફી દ્વારા પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કેસ્ટર ઓઈલ, કેમિકલ અને અન્ય જ્વલનશીલ પદાર્થોના ભંડારને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી.
આવા અકસ્માતો હવે અટકશે કે નહીં?
એક પછી એક ફેક્ટરી અગ્નિકાંડની ઘટનાઓ તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવે છે. છેલ્લા 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતોમાં 992થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે, છતાંય ન્યાય હજુ અંધકારમાં છે. શું તંત્ર માત્ર સહાનુભૂતિની ભૂમિકા ભજવતું રહેશે કે હવે કોઈ કડક પગલાં ભરશે?