Dang: મળતી માહિતી મુજબ શુક્રવારે ડાંગ જીલ્લાના પ્રવેશદ્વાર વઘઇ, આહવા સહીત પૂર્વપટ્ટી વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર વાદળછાયું વાતાવરણ બનતા શીત પવનો જારી રહ્યા હતા. ગતરોજ ગલકુંડ વિસ્તારના વાંકી, જામદર, ખૈર્યા, મહુપાડા, પીપલપાડા, વનાર વિસ્તારમાં સાંજે એકાએક વાતાવરણ બદલાયા બાદ ડુંગરાળ વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેને પગલે ખાપરી નદીમાં નવાનીર આવતા વાંકી થી ગલકુંડ સુધીના નાના મોટા ચેકડેમો છલકાય ઉઠયા હતા.
શુક્રવારે વઘઇ, આહવા સહીત પૂર્વપટ્ટી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ધરતીપુત્રો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા. જયારે ગિરિમથક સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં વાદળછાયું માહોલ વચ્ચે ગિરિમથક સાપુતારાનું આહલાદક વાતાવરણ નિર્માણ થતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.