Gujarat: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દેશમાં કેરલમાં ચોમાસું બેસી ગયું છે, જયારે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવ્યો છે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે.
છેલ્લા 2 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે રાજ્યના લોકોને ચોમાસાના આગમનની ઇન્તેજારી છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે.
આગામી સાત દિવસ હવામાન રહેશે શુષ્ક
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે એમ છે.
અમદાવાદના હવામાનશાસ્ત્ર કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાનની આગાહી કરતા જણાવ્યું કે, આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે સાત દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. ભારે ગરમીથી પીડાતા નાગરિકોને ગુરુવારે થોડી રાહત મળી હતી, ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં દિવસનું મહત્તમ તાપમાન અનુક્રમે 42.8 અને 42.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.
IMD એ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં “મજબૂત સપાટીના પવનો” ની ચેતવણી આપી છે. જેથી રાજ્યમાં 2 દિવસમાં ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવન ફૂંકાશે. આગામી બે દિવસ માટે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગો માટે ધૂળના તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 16 જૂન સુધીમાં ભરે પવન સાથે વરસાદની આગાહી કરી છે, તો 17 જૂનથી આકરી ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે પવનની દિશામાં બદલાવની સાથે ઝડપમાં પણ છેલ્લા 2-3 દિવસથી વધારો જોવા મળ્યો છે. 25થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં 1-2 જૂને ઘટાડાની સંભાવના વ્યક્ત કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો હતો, જે બદલાઈને પશ્ચિમ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. આમ થવાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને વાતાવરણ વાદળછાયું છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, જેના કારણે ગરમી અને બફારો વધશે. આગામી એક મહિના સુધી સતત ગરમી અને બફારો સહન કરવો પડી શકે છે