Rahul Gandhi: રાહુલ ગાંધી ભાજપના ગઢ ગુજરાતને જીતવા કમર કસે છે, એપ્રિલમાં પોરબંદર ખાતે યોજાશે રાષ્ટ્રીય અધિવેશન
Rahul Gandhi ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સૌ કોઈ વાકેફ છે અને ખાસ કરીને કોંગ્રેસમાં વર્ષોથી ચાલી આવી રહેલી જૂથબંધીનો કોઈ અંત દેખાતો નથી. કોંગ્રેસમાં જે પ્રકારે ગોડફાધર કલ્ચર છે અને સ્થાનિક નેતાઓ સંગઠનથી લઈ ચૂંટણી ટિકિટ સહિતના મામલે બાખડમ-બાખડી કરે છે તેનો જોટો જડવો મુશ્કેલ બની જાય છે.
Rahul Gandhi લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ભાજપને પડકાર ફેંક્યો હતો અને તેમને તેમના ગઢ ગુજરાતમાં હરાવવાનું વચન આપ્યું હતું. ત્યારબાદ, કર્ણાટકમાં તાજેતરમાં મળેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં, પાર્ટીનું આગામી રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજવાની જાહેરાત કરવામાં આવી હતી, જે ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજવામાં આવી શકે છે. એપ્રિલમાં સંમેલન માટે દેશભરમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં એકઠા થશે, જેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક હસ્તીઓ ઉપરાંત જિલ્લા પ્રમુખો પણ સામેલ થશે. આ ઘટના એવા સમયે બની રહી છે જ્યારે કોંગ્રેસ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારી કરી રહી છે.
કોંગ્રેસના સંગઠનની સામે વર્ષોથી જૂથબંધીનું ગ્રહણ લાગેલું છે
અને આના કારણે ચૂંટણીમાં કોંગ્રેસના પાછલા 30 વર્ષથી સૂપડા સાફ થઈ રહ્યા છે. નવી નેતાગીરીમાં જૂથબંધીને ધૂસાડી દેવામાં સિનિયર નેતાઓ સફળ રહ્યા છે અને યુવા નેતાઓની સ્થિતિ એવી છે કે આજે તેઓ એકબીજા પર ઘૂરકીયા કાઢી રહ્યા છે.હવે આ બધાની વચ્ચે રાહુલ ગાંધી ગુજરાતને કેવી રીતે સર કરવા માંગે છે તે મોટો પ્રશ્ન છે. અનેક નેતાઓ અને કાર્યકરોએ પવનની દિશા જોઈને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો છે. યુવા નેતાઓને જોઈએ તેટલો અવકાશ આપવામાં આવી રહ્યો નથી ત્યારે રાહુલ ગાંધીની વિજય ઘોષણા કાગની વાઘ પુરવાર થાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.