Primary Scholarship Exam Gujarat 2025 : ગુજરાતમાં PSE પરીક્ષા માટે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપ્યું પેપર: રાજકોટના 49 સેન્ટરો પર 10,647 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
Primary Scholarship Exam Gujarat 2025 : ગુજરાતમાં આજે સમગ્ર રાજ્યમાં પ્રાયમરી સ્કોલરશીપ એક્ઝામ (PSE) યોજાઈ હતી. ધો. 5થી 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આયોજિત આ મહત્વની પરીક્ષામાં રાજ્યભરના અંદાજે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માત્ર રાજકોટમાં જ 49 વિભિન્ન પરીક્ષા કેન્દ્રો પર 10,647 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને દર મહિને મળશે રૂ. 1,000 સ્કોલરશીપ
ગુજરાત સરકાર હંમેશા હોશિયાર અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સહાય કરવા માટે આવી શિષ્યવૃત્તિ પરીક્ષાઓનું આયોજન કરતી હોય છે. આ પરીક્ષામાંથી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તેમને દર મહિને રૂ. 1,000 – એટલે કે વાર્ષિક રૂ. 12,000ની શિષ્યવૃત્તિ તેમના ભવિષ્યના અભ્યાસ માટે આપવામાં આવશે.
રાજકોટની ન્યુ એરા સ્કૂલના સંચાલકે આપી માહિતી
ન્યુ એરા સ્કૂલના સંચાલક અજય પટેલે જણાવ્યું કે, “આવાજ પ્રકારની સ્કોલરશીપ પરીક્ષાઓમાં અમારી શાળાને નિયમિત રીતે કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવે છે. આજે યોજાયેલી PSE પરીક્ષામાં પણ અમારી શાળાના આશરે 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં પઠિત વિષય ઉપરાંત જનરલ નોલેજના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.”
વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી
ઉનાળાની ગરમીને ધ્યાને લેતાં, પરીક્ષા કેન્દ્રો પર ઠંડા પાણી, લીંબુ શરબત જેવી આરામદાયક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. વધુમાં કોઈ તાત્કાલિક મેડિકલ જરૂરિયાત ઊભી થાય તો માટે તત્કાલ સારવાર માટેની વ્યવસ્થાઓ પણ ઉભી રાખવામાં આવી હતી.
સુરક્ષા વ્યવસ્થા માટે જાહેરનામું જાહેર
પરીક્ષાના દિવસે નિર્ભય અને નિષ્પક્ષ માહોલ રાખવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટપણે વિદ્યાર્થીને મોબાઇલ, સ્માર્ટવોચ, કે અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લાવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ઉપરાંત પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 100 મીટર વિસ્તારમાં ઝેરોક્સ કે પ્રિન્ટિંગની દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ પરીક્ષાના પરિણામ સાથે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યના દરવાજા ખુલશે, અને તેઓ આગળ વધવા માટે નાણાંકીય સહાય મેળવશે.