Pradeep Sharma IAS: પূર્વ IAS પ્રદીપ શર્માને 5 વર્ષની કેદ: કચ્છ જમીન ફાળવણી કૌભાંડમાં દોષિત ઠર્યા
Pradeep Sharma IAS: પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે ફરી એક કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. કચ્છ જિલ્લાના ભૂતપૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારીઓને ભુજની અદાલતે પાંચ વર્ષની કેદ અને દસ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. આ કેસ ખાનગી કંપનીને નિયમ વિરુદ્ધ રીતે સરકારી જમીન ફાળવવાનો છે, જેમાં જમીનની ફાળવણીમાં નક્કી કરાયેલ મર્યાદાની ઘોર અવગણના કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
મુંદ્રા તાલુકાના સમાઘોઘા વિસ્તારમાં સોપાઇપ અસ લિમિટેડ નામની ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં આવી હતી. ગુજરાત સરકારના નિયમો મુજબ, કલેક્ટરને મહત્તમ 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હોય છે. છતાં પણ, પ્રદીપ શર્માએ કંપનીને 47,173 ચોરસ મીટર (અંદાજે 11.6 એકર) જમીન ફાળવી દીધી હતી, જે સત્તાની મર્યાદાને ઘણી વધારે હતી.
મહત્વની વાત એ છે કે એક જ કંપની માટે, એક જ હેતુ માટે અલગ અલગ સર્વે નંબર હેઠળ ત્રણ અરજીઓ કરવામાં આવી હતી. નિયમો અનુસાર આ અરજીને જોડીને એક હુકમથી નિર્ણય લેવો જરૂરી હતો, પણ એમના બદલે જુદા જુદા હુકમો કરીને જમીન ફાળવવામાં આવી – જે નિયમોનો સ્પષ્ટ ભંગ હતો.
કોણ કોણ આરોપી?
આ કેસમાં માત્ર પ્રદીપ શર્મા જ નહીં, પરંતુ અન્ય ત્રણ સરકારના તત્કાલીન અધિકારીઓ પણ દોષિત ઠરાવાયા છે – જેમાં નગર નિયોજક નટુ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને નિવાસી નાયબ કલેક્ટર અજિતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.
કાયદાકીય કાર્યવાહી અને ચુકાદો
CID ક્રાઈમ દ્વારા આ મામલે ભારતીય દંડ સંહિતા (IPC) કલમ 217, 409 અને 120(બી) હેઠળ ગુનો નોંધાયો હતો. ભુજની ચોથી અધિક ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં કેસ ચાલી, જેમાં કુલ 52 દસ્તાવેજી પુરાવા અને 18 સાક્ષીઓના આધારે ચુકાદો આપવામાં આવ્યો.
પ્રદીપ શર્માને IPC કલમ 409 અને 120(બી) મુજબ 5 વર્ષની સખત કેદ અને રૂ.10,000 દંડ, તેમજ કલમ 217 હેઠળ 3 મહિનાની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. જો દંડની રકમ ભરવામાં નહીં આવે તો વધુ છ મહિનાની કેદ લાગુ થશે.
પહેલેથી જ સજા ભોગવી રહ્યા છે
હાલમાં પ્રદીપ શર્મા એન્ટી કરપ્શન બ્યુરો (ACB) કેસમાં પાંચ વર્ષની સજા ભોગવી રહ્યા છે.
પ્રદીપ શર્માનો વ્યવસાયિક ઈતિહાસ
પ્રદીપ શર્માએ રસાયણશાસ્ત્રમાં સ્નાતક કર્યા બાદ 1981માં ડેપ્યુટી કલેક્ટર તરીકે સરકારી સેવા શરૂ કરી હતી. વર્ષ 1999માં તેઓ આઈએએસ તરીકે પ્રમોટ થયા હતા. તેમણે જામનગર, ભાવનગરમાં મ્યુનિસિપલ કમિશનર અને રાજકોટ તથા કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.