Politics: લોકસભાની ચૂંટણી સાંગોપાંગ પાર પડી ગઈ. હવે કોઈ પણ નેતા ઈવીએમનો દોષ નથી દેતો. એક્ઝિટ પોલનું બાળ મરણ થઈ ગયું. જે મીડિયાને ગોદી મીડિયા કહેવાતું હતું હવે તેના સૂરો પણ બદલાઈ ગયા છે. મોદી ભક્તોમાં જીત બાદ પણ એક પ્રકારનો સન્નાટો પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ અભી ઝીદાં હૈ એ રાહુલ ગાંઘીએ કરી દેખાડ્યું છે. એક માત્ર મધ્યપ્રદેશમાં કમલનાથની અવળચંડાઈના કારણે કોંગ્રેસ તમામ 29 બેઠકો હારી ગઈ અને કેજરીવાલ જેટલા ગાજ્યા તેટલા વરસ્યા નહીં. બિહારમાં તેજસ્વી યાદવને તેમની જીદ અને અહંકાર ડૂબાડી ગયા છે. અણછાજતા હઠાગ્રહ કરીને તેજસ્વીએ પોતાના જ પગ પર કૂહાડો માર્યો. જે હોય તે હવે મોદી ગઠબંધનની સરકારના વડા બની રહ્યા છે અને ત્રીજી વખત નવમી જૂને તેઓ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.
લોકસભાના ચૂંટણી પ્રચારમાં મુસ્લિમો વિરુદ્વ એક યા બીજી રીતે પ્રચાર કરવામાં ખુદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કોઈ કચાશ છોડી ન હતી. હવે તેમને બે કટ્ટર મુસ્લિમ સમર્થક નેતાઓ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુના શરણે જવાનો વારો આવ્યો છે. આમ તો કાશ્મીરમાં ભાજપે મહેબૂબા મુફ્તી સાથે પણ સગવડીયું ગઠબંધન કર્યું હતું. ભાજપ સત્તા માટે કોઈની પણ સાથે ગઠબંધન કરી શકે છે તેનો આ બીજો ઉત્તમ દાખલો નીતિશ અને ચંદ્રાબાબુ છે.
આમ તો ભાજપે કટ્ટર હિનદુવાદની વિચારધારા સાથે જ ચૂંટણી પ્રચાર કર્યો. ભાજપનો હિન્દુવાદી પ્રચાર તેના પાયામાં છે. એવું મનાતું હતું ભાજપ 400ને પાર કરી જશે પરંતુ ભાજપને 250 સીટ સુધી પહોંચતા પહોંચતા હાંફ ચઢી ગઈ છે. રાહુલ ગાંધીની ભાષામાં કહીએ તો અમારાવાળાને જીતને બાજી હારવાનું હૂનર આવે છે.
વડાપ્રધાન મોદીએ અનેક વખત કહ્યું છે કે હું જીવિત છું ત્યાં સુધી ધર્મ આદારિત અનામત નહીં આપીશ. અમિત શાહે તેલંગાણામાં અનેક વખત કહ્યું કે તેલંગાણામાં ભાજપની સરકાર આવશે તો મુસ્લિમ અનામત રદ્દ કરી દઈશું. આ તમામ મુદ્દા લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે બૂમરેંગ સાબિત થયા છે અને મુસ્લિમોએ એકજૂટ થઈને જ્યાં ભાજપને હરાવવાનો હતો ત્યાં હરાવી દીધો છે.
ચંદ્રાબાબુ નાયડુ મુસ્લિમ અનામતના સમર્થક છે. નીતિશ કુમારનો મુસ્લિમ પ્રેમ તો જગજાહેર છે. તેઓ મુસ્લિમોની ખૂલ્લેઆમ પેરવી કરે છે. ઈફતાર પાર્ટીઓમાં જાય છે. ભાજપ માટે આ મોટી મજબૂરી છે તેણે આ બન્ને કટ્ટર મુસ્લિમ સમર્થકો સાથે પનારો પડ્યો છે. બન્ને નેતાઓ રાજકીય સોગઠાબાજીમાં પણ માહેર છે. ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પક્ષો સમૂળગી રીતે નીતિશ કે ચંદ્રબાબુ પણ આંધળો વિશ્વાસ મૂકી શકતા નથી. તેઓ ક્યારે સઢ ફેરવશે તે નક્કી હોતું નથી. ભાજપ સાથેનું ગઠબંધન કેટલું લાંબું ટકશે તેને લઈને પણ અટકળો છે. કારણ કે કેટલાક કાયદા એવા છે કે જેમાં આ બન્ને નેતાઓ અગાઉ વિરોધ કરી ચૂક્યા છે. હવે આ કાયદાઓની અમલવારીનો સમય આવશે ત્યારે ભાજપે બનાવેલા કાયદા સીધી રીતે લાગુ કરવા કે તેમાં ગઠબંધનની મજબૂરીનો ઓછાયો પણ હશે, એ તો અવાનાર સમય જ કહેશે.
લોકસભાની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે અને નરેન્દ્ર મોદીના નામ પર ત્રીજીવાર બહુમતિની હેટ્રીક મારી શક્યું નથી. 305 સીટ હતી આ વખતે 240 સીટ છે. સીધી રીતે કહીએ તો ભાજપ પાસે બહુમતિ માટે 32 સીટ ઓછી છે. નીતિશ કુમાર પાસે 15 અને ચંદ્રાબાબુ પાસેની 16 સીટ સાથે ભાજપનું ગાડું બહુમતિના મેજિક ફિગર સુધી આરામથી પહોંચી જાય છે. આમ અન્ય પાર્ટીઓનાં સંગાથે ભાજપ 292 સીટ એટલે કે 292 સીટ પર પહોંચ્યું છે.
નિષ્ણાતો પણ માને છે કે એક રીતે જોવા જઈએ તો લોકસભાની ચૂંટણીમાં મોદી બ્રાન્ડનો જાદૂ ચાલ્યો નથી. ભાજપની મોદી બ્રાન્ડ હવે ઘસાઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખે ખડગેએ લોકસભાના પરિણામોને મોદીની નૈતિક હાર તરીકે ગણાવી છે. તો શું આ મોદી બ્રાન્ડની ભાજપમાં પડતીની શરુઆત છે? પ્રશ્ન હવે થવા માંડ્યો છે. પહેલાં એવું કહેવાતું હતું કે મોદીનો વિકલ્પ માત્ર મોદી જ છે. પણ હવે વિકલ્પો શોધવાની દિશામાં કામ શરુ થઈ ગયું છે. ભાજપને અકબંધ રાખવાની જવાબદારી પણ આવનાર સમયમાં પડકારરુપ બનવાની છે. આ સ્થિતિમાં લોકસભાની ચૂંટણી બાદ બની રહેલી નવી સરકારમાં મોદીનું નવું રાજકીય રુપ જોવા મળવાનું છે.,