Nitish Kumar: નીતિશ કુમાર-તેજસ્વી યાદવની સરકાર વખતમાં લેવાયેલા અનામતની ટકાવારીમાં વધારો કરવાના નિર્ણય પર કોર્ટે બ્રેક મારી દીધી છે. બિહાર સરકારે અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો જે નિર્ણય લીધો હતો, તેને પટણા હાઈકોર્ટે રદ્દ કરી દેતા નીતિશ કુમારને જબરો ઝટકો લાગ્યો છે. બિહાર સરકાર હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે તેમ જાણવા મળે છે.
બિહાર સરકાર દ્વારા અનામતનો વ્યાપ વધારવાના નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ્ કરી દીધો છે. આ ચૂકાદા સાથે જ બિહારની નીતિશ કુમારની સરકારને લોકસભા ચૂંટણી પછી આ પહેલો સૌથી મોટો ઝટકો લાગ્યો છે.
હાઈકોર્ટે બિહારનો એ કાયદો રદ્દ કરી દીધો જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે 50 ટકા અનામતનો વ્યાપ આગળ વધારીને 65 ટકા કરાયો હતો.
પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ હરિશ કુમારની બેન્ચે આ ચૂકાદો સંભળાવ્યો હતો.
રાજ્ય સરકારનો નિર્ણય હાઈકોર્ટે રદ્ કરી દેતા હવે તે 50 ટકા જ રહેશે. પટણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક સંસ્થાનો તથા સરકારી નોકરીઓમાં એસસી, એસટી, ઈબીસી અને અન્ય પછાત વર્ગને 65 ટકા અનામત આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યા પછી આ ચૂકાદો સંભળાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, અરજદાર ગૌરવ કુમાર અને અન્ય દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા પછી 11 માર્ચે નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. જેના પર પટણા હાઈકોર્ટે આજે પોતાનો ચૂકાદો આપ્યો હતો.
અરજદાર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે બંધારણીય જોગવાઈઓ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી, નહીં કે જનસંખ્યા અનુસાર અનામત આપવાની જોગવાઈ. બિહાર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો 2023 નો આ સંશોધિત કાયદો ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સરકારી નોકરીઓમાં નિમણૂકના સમાન અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત ભેદભાવ સંબંધિત મૂળભૂત અધિકારનું પણ ઉલ્લંઘન કરતું હોવાનું જણાવ્યું હતું