પેટ્રોલના ભાવમાં વધારો: ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલના ભાવમાં રૂ.100ના ઉપર – છેલ્લા ત્રણ દિવસથી કિંમતો વધી રહી છે.
છેલ્લા 15 દિવસમાં પેટ્રોલમાં રૂ. 2 અને ડીઝલમાં રૂ. 3.42 પ્રતિ લિટર વધારો થતો રહ્યો છે
નવરાત્રિ ત્યોહારના પહેલા દિવસે જ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ રૂ. 100 પ્રતિ લિટર થઇ ગયો છે. તહેવારની શરૂઆતમાં 7 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચ્યુ. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે. ત્રણ દિવસમાં પેટ્રોલ 84 પૈસા વધ્યું છે. વધતી જતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના વધતા ભાવોએ મધ્યમ વર્ગને હચમચાવી નાખ્યો છે.
એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 22 રૂપિયાનો વધારો થયો છે
ગુજરાતમાં પેટ્રોલની કિંમત પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં પેટ્રોલની કિંમતમાં 22 રૂપિયાનો વધારો થયો છે. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન પેટ્રોલની કિંમત રૂ. 78 પ્રતિ લીટર આસપાસ ચાલી રહ્યું હતું.
ગુજરાતમાં રોજના 2.50 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ વેચાય છે
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સચિવ ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં રૂ. 2 અને રૂ. 3.42 પ્રતિ લિટર વધારો થયો . ગુજરાતમાં પેટ્રોલ પંપ દૈનિક 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે.સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સાથે જોડાયેલી છે. એટલે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થશે તો પેટ્રોલિયમ પેદાશોના ભાવ પણ સ્થાનિક સ્તરે વધશે. વૈશ્વિક બજારમાં હાલમાં બ્રેન્ટ ક્રૂડ 81 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યું છે.