પંચમહાલ: પંચમહાલમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં મામા અને ફોઈની બે બહેનો એક સાથે ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને યુવતીઓના સ્વજનો પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. આ જ કડીમાં આજે એટલે કે બુધવારે આ જ જંગલમાંથી વધુ એક યુવકને મૃતદેહ મળ્યો છે. આ યુવક બંનેમાંથી એક બહેનનો પ્રેમી હોવાની ચર્ચા થઈ રહી છે. બે દિવસમાં ત્રણ ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. બંને બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. જે બાદમાં મંગળવારે સવારે બંનેના લટકતી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા.
આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. એરાલ ગામની સોનલ ઉર્ફે પીનલ રાઠવા અને ઝોઝ ગામે રહેતી તેની પિતરાઈ બહેન વર્ષા રાઠવા સોમવારે એરાલ ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ગઈ હતી. બંને બહેનો ગુમ થઈ જતાં તેમના પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી.
જે બાદમાં બીજા દિવસે સવારે બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝાડ સાથે દુપટ્ટો બાંધીને બંનેએ ગળેફાંસો ખાઈ લીધો હોય તે હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. બંનેમાંથી એક બહેન કૉલેજમાં અને બીજી બહેન સ્કૂલમાં અભ્યાસ કરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં પોલીસ હત્યાના પાસાને ધ્યાનમાં રાખીને પણ તપાસ શરૂ કરી છે. બંને બહેનો ઊંચા ઝાડ પર કેવી રીતે ચઢી તે પણ એક સવાલ છે. બીજી તરફ એવું કહેવામાં આવ્યું રહ્યું છે કે એક બહેન વિકલાંગ હતી તો તે ઝાડ પર કેવી રીતે ચઢી શકે? આમ આ કેસ હત્યાનો છે કે પછી આત્મહત્યાનો તે અંગે રહસ્ય ઘેરાયું છે. આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સત્ય સામે આવશે.
બુધવારે વધુ એક મૃતદેહ મળ્યો: મંગળવારે બે યુવતીનાં મૃતદેહ બાદ બુધવારે જંગલ વિસ્તારમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો છે. કથિત પ્રેમ પ્રકરણમાં વધુ એક ભોગ લેવાયો હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ મામલે રાજગઢ પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ હાથ ધરી છે. આજે જિંદગી ટૂંકાવી લેનાર યુવક બે મૃતક યુવતી પૈકી એકનો પ્રેમી હોવાની ચર્ચા થઈ રહી છે. આખરે પ્રેમ સંબંધમાં એવું શું આડે આવ્યું કે એકબાદ એક ત્રણ મૃતદેહ મળ્યા તેનું રહસ્ય પોલીસ તપાસ બાદ જ ખુલશે.