બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ જ્યોર્જ ફિફ્થ ક્લબમાંથી પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલ સહિત 40 નબીરાઓને ગાંધીનગર વિજિલન્સની ટીમે જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન પોલીસે 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અહીં પ્રશ્ન તે ઉભા થઈ રહ્યાં છે કે, ગાંધીનગર વિજિલન્સની ટીમે ત્રણ દિવસ અગાઉ જ હાઈપ્રોફાઈલ જૂગારધામને ઝડપી પાડ્યું હતું. જોકે, પોલીસે આજે એટલે કે, ત્રણ દિવસ પછી કેસ નોંધ્યો છે. તેવામાં પોલીસની નિયત ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. શું પોલીસ આ કેસમાં કોઈને બચાવવાની કોશિશ કરી રહી છે. શું પોલીસ એકથી વધારે હાઈપ્રોફાઈલ લોકોને બચાવવા માટે મીલીભગત કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે? કેસ પાણીની જેમ ચોખ્ખો હોવા છતાં કેસ નોંધતા કેમ ત્રણ દિવસ લગાડ્યા હતા? વગેરે જેવા અનેક પ્રશ્નોના જવાબ હજું સુધી પણ સામે આવ્યા નથી.
કેમ કે આ રેડ દરમિયાન પાલનપુર અને આસપાસના વગદાર માણસોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલનો પણ સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પોલીસ કેસને નબળો પાડીને દિલીપ સિંહ હડિયોલને બચાવવાની કોશિશ કરી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. જેથી પોલીસની ઢીલી કામગીરીને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.
જણાવી દઈએ કે, ગાંધીનગર વિજિલન્સની ટીમે પાલનપુરની જ્યોર્જ ફિફ્થ ક્લબ પર ત્રણ દિવસ અગાઉ મોડી સાંજે અચાનક રેડ પાડી હતી. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર દિલીપ સિંહ હડિયોલ સહિત અન્ય 40 શખ્સો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથે ઝડપાયા હતા.
આ દરમિયાન પોલીસે 40 જુગારીયાઓની અટકાયત કરીને રોકડ સહિત 11.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો મળી રહેલી માહિતી અનુસાર, રેડ પહેલા 6 શખ્સો ફરાર પણ થઈ ગયા હતા. જેથી પોલીસે 46 લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસને આ ફરિયાદ દાખલ કરવામાં ત્રણ દિવસ જેટલો સમય લાગ્યો છે. બનાવના ત્રીજા દિવસે ફરિયાદ નોંધાતા પોલીસ કોણે બચાવવાની કોશિશ કરી રહી છે, તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.