Pakistani Hindu : પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓમાં ભયનું વાતાવરણ: નાગરિકત્વ વગર ડીપોર્ટ થવાની આશંકા
Pakistani Hindu : ભારતના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે આ નિર્ણયમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓનો સમાવેશ થતો નથી. છતાં, ઘરબાર વેચીને ભારતમા સ્થાયી થવા આવેલા અનેક હિન્દુ પરિવારોમાં આ સ્થિતિને લઈને ભારે ગભરાટ ફેલાયો છે.
આ સંદર્ભે અમદાવાદના કુબેરનગરમાં વસતા પાકિસ્તાની હિન્દુ શરણાર્થી અર્જુનભાઈ અગાઉ પાકિસ્તાનના સિંધમાં બેંક ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેઓએ જણાવ્યું કે, 14 વર્ષ પહેલા ભારત આવ્યા પછી તેમણે અહીં સિલાઈના ધંધાથી જીવન નિર્માણ કર્યું છે. લગભગ 6 મહિના પહેલા જ તેમને ભારતનું નાગરિકત્વ મળ્યું છે.
હમણાં આવ્યા છે, નાગરિકત્વ નથી મળ્યું અને ભયમાં છે
અર્જુનભાઈએ જણાવ્યું કે, તેમની સાથે સિલાઈના કામમાં જોડાયેલા મોટાભાગના લોકો – લગભગ 90 ટકા – તાજેતરમાં પાકિસ્તાનથી આવેલા છે. ઘણા લોકો તો છેલ્લા 3 મહિનાથી 2 વર્ષ વચ્ચે ભારત આવ્યા છે. આ પરિવારો ઘર ભાડું, બાળકોનું ભણતર અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે રોજ 1100 રૂપિયાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ આ લોકો હજી નાગરિકત્વ મેળવ્યા વિના દેશમાં રહે છે અને ડીપોર્ટ થવાની ભીતિ હેઠળ જીવન જીવી રહ્યા છે.
વ્યક્તિગત દુ:ખ પણ સહન કરી રહ્યા છે
કુબેરનગરમાં રહેલા એક શરણાર્થીએ જણાવ્યુ કે, “ત્રણ દિવસ પહેલા મારા ભાઈનું પાકિસ્તાનમાં હાર્ટ એટેકથી અવસાન થયું. છતાં હું ત્યાં જઈ શક્યો નથી, કારણ કે ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી છે અને એરસ્પેસ પણ બંધ છે.” તેમણે ઉમેર્યું કે, હાલ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થઈ રહ્યું છે, પણ પરિવાર માટે કામ કરવું જ પડે છે.
કુબેરનગરમાં આશરે 1200 હિન્દુ શરણાર્થી પરિવારો
કુબેરનગર વિસ્તારમાં આજ સુધી પાકિસ્તાનથી આવેલાં લગભગ 1200 હિન્દુ પરિવાર વસે છે. તેમાથી અનેક પરિવાર છેલ્લાં કેટલાય વર્ષોમાં સ્થાયી થયા છે – કોઈ 6 મહિના, કોઈ 2 વર્ષ, તો કોઈ 5 વર્ષથી અહીં રહે છે. હવે તેમને ભય છે કે સરકારના નવા આદેશથી તેઓને પણ પાછા જવાનું કહેવામાં ન આવે. આ પરિવારોએ પાકિસ્તાનમાં થયેલા આતંકી હુમલાની કઠોર નિંદા પણ કરી છે અને પોતાની આ વેદનાને વ્યક્ત કરી છે કે હવે પોતાના સગાંસંબંધીને ત્યાં મળવું પણ મુશ્કેલ બન્યું છે.
હર્ષ સંઘવીએ શું કહ્યું હતું?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે, પાકિસ્તાનના નાગરિકોને 48 કલાકમાં ભારત છોડવા આદેશ અપાયો છે. પરંતુ સાથે તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાનમાંથી પીડાઈને આવેલા હિન્દુ શરણાર્થીઓના હકની સરકાર સંપૂર્ણ રીતે રક્ષા કરશે અને તેઓને કોઈ પરેશાની ન થાય એ તરફ વિશેષ ધ્યાન આપશે.