Pahalgam Terror Attack: પહેલગામ આતંકી હુમલો: શહીદ શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ સુરત પહોંચ્યો, આજે અંતિમવિધિ યોજાશે
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર સુરતના વતની શૈલેષભાઈ કળથિયાનો પાર્થિવ દેહ મોડી રાત્રે સુરત પહોંચાડવામાં આવ્યો છે. તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર શહેર શોકમગ્ન બન્યું છે. સુરત એરપોર્ટ પર ભાજપના નેતાઓ, કોર્પોરેટરો અને અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો પણ ભારે દિલથી શૈલેષભાઈના અવસાનની વેદના સહન કરી રહ્યા છે.
સુરતના સ્મીમેર હોસ્પિટલમાં શૈલેષભાઈનું દેહ વિશ્રામ માટે રાખવામાં આવ્યું છે અને હોસ્પિટલ ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા શરૂ થશે અને અંતિમ સંસ્કાર કઠોરના અબ્રામા સ્મશાન ખાતે કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ એરપોર્ટ પર હાજર રહી પરિવારજનોને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ આતંકવાદ સામે સખત કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા પગલાંનું સમર્થન કર્યું હતું…
ભાવનગરના બે નાગરિકોના દેહ અમદાવાદ પહોંચાડાયા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સક્રિય
અત્યાર સુધી મળેલી વિગતો અનુસાર, આ જ હુમલામાં ભાવનગરના બે નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો છે. તેમના મૃતદેહો વિમાન મારફતે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અન્ય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ દુઃખદ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતના ત્રણેય નાગરિકોના પાર્થિવ દેહને રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ ઝડપી અને સંકલિત પ્રયાસોથી તેમના માતૃ રાજ્ય સુધી લાવવામાં આવ્યા. રાજ્ય સરકાર અને કાશ્મીર વહીવટીતંત્ર વચ્ચે સતત સંપર્કમાં રહી આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર જઈને શહીદ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ ઘટનાની સતત મોનીટરીંગ કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પાકિસ્તાનની આ નાપાક હરકત સામે કડક અને નિર્ધારિત પગલાં લેવામાં આવશે તે સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
આ ઘટનાએ સમગ્ર દેશને ફરી એકવાર આતંકના વિરોધમાં એકજુથ કરી દીધો છે. તાજેતરના સમયમાં આમ આશ્રિત અને નિર્દોષ યાત્રિકો ઉપર થયેલ હુમલો સમગ્ર માનવતા સામેનો હુમલો ગણવામાં આવી રહ્યો છે.