જામનગરઃ જામનગરના 2018માં બનેલા કિરીટ જોશી હત્યા કેસમાં જામનગર પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનનું નામ ઓપરેશન રેડ હેન્ડ રાખવામાં આવ્યું આ ઓપરેશન અંતર્ગત જામનગર પોલીસે કોલકાત્તાની સ્થાનિક પોલીસની મદદ લઈને નદી કિનારેથી મુખ્ય ત્રણ આરોપીઓને પકડીને જામનગર લાવ્યા હતા.
જામનગરમાં 28 એપ્રિલ 2018ની રાત્રે ટાઉનહોલ જેવા પોશ વિસ્તારમાં આવેલા જ્યોત ટાવર પાસે રસ્તા પર જ વકીલ કિરીટ જોશીની સરાજાહેર છરીના ઉપરાછાપરી ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી. જામનગરના ચકચારી ઈવા પાર્કના જમીન કૌભાંડનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની હત્યા થતાં જ શંકાની સોઇ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ઉપર ટંકાઈ હતી. જયેશ પટેલના ઈશારે વકીલ કિરીટ જોશીની સરાજાહેર સોપારી આપી હત્યા કરાયાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. વકીલની સરાજાહેર હત્યા થતાં તેના ઘેરા પ્રત્યાઘાત આખા રાજ્યમાં પડ્યા હતા. આ હત્યા બાદ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ભાગી છૂટ્યો હતો અને આજ દિવસ સુધી જામનગર પોલીસને હાથે લાગ્યો નથી. ત્યારે જ આ હત્યા કેસમાં મુખ્ય ત્રણ આરોપીને જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્ક્વૉડે વેશપલટો કરી કોલકાત્તામાં બે દિવસ ધામા નાખ્યા હતા અને સ્થાનિક પોલીસની મદદથી કોલકાત્તાની નદી કિનારેથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.
જામનગર પોલીસ સૌપ્રથમ કોલકાત્તામાં નદી કિનારે આવેલા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પાછળના ભાગે દિલીપ ઠક્કર નામનો આરોપી છૂપાયો હતો ત્યાં પહોંચી હતી તેને દબોચી લીધો હતો. બાદમાં તેની પાસે બેઠેલા જયદેવ ગઢવી અને દિલીપ ઠક્કરના ભાઈ હાર્દિક ઠક્કરને પેરોલ ફર્લો સ્ક્વૉડના પીએસઆઇ એ.એસ ગળચર અને તેમની ટીમે ઝડપી લીધો હતો. આ વખતે ટીમે મુસ્લિમ પોષાક ધારણ કર્યો હતો.
જામનગર પોલીસ આ 6 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી ‘ઓપરેશન રેડ હેન્ડ’ હાથ ધરી ત્રણેય આરોપીઓને ઝડપી જામનગર લાવી છે. તમામને એલસીબી ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે પોલીસના ચહેરા પર સફળતાની ખુશી જોવા મળી હતી. હવે આ ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
વકીલ કિરીટ જોશીની હત્યા માટે ઝડપાયેલા આરોપીઓમાંથી હાર્દિક ઠક્કર અને જયદેવ ગઢવી બાઈક લઈને આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને અંજામ આપતાં પૂર્વે દિલીપ ઠક્કરે રેકી કરી હતી. હાર્દિક ઠક્કરે છરીના 20 જેટલા ઘા મારી કિરીટ જોશીની હત્યા નિપજાવી હતી.