ONGC Recruitment Fraud: ONGCમાં નોકરી અપાવવાના નામે મોટું કૌભાંડ: 50 યુવકોને બનાવટી લેટર આપી 25 લાખની છેતરપિંડી, આરોપીની ધરપકડ
ONGC Recruitment Fraud: અમદાવાદ શહેરમાંથી એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે, જેમાં ONGCમાં કોન્ટ્રાક્ટ બેસ પર નોકરી અપાવવાનું વચન આપી યુવકો પાસેથી લાખો રૂપિયા ઠગવામાં આવ્યા. ચાંદખેડામાં રહેતા ગૌતમ સોલંકી નામના યુવાને નોકરીનું મોહ બતાવી 50 જેટલા યુવકો પાસેથી કુલ 25 લાખ રૂપિયા વસૂલ્યા હતા. ગૌતમ સોલંકીએ નકલી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ બનાવી આપ્યા હતા અને કેટલાક યુવકોને ONGCના સાઇટ પર ટ્રેનિંગના બહાને કામ પર પણ મોકલ્યા હતા.
કેવી રીતે ચાલી હતી છેતરપિંડી?
ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ONGCના સિક્યુરિટી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા સહદેવસિંહ ઝાલાને તેમની ઉચ્ચ અધિકારીઓ તરફથી જાણકારી મળી હતી કે કલોલ વિભાગમાં ONGCના કુવા ઉપર કેટલાક ભ્રમિત અધિકારીઓ કામ કરી રહ્યા છે. તપાસ હાથ ધરતા જાણવા કે કેટલાક યુવકો પાસે નકલી આઈકાર્ડ અને એપોઇન્ટમેન્ટ લેટર છે.
આ તપાસ દરમિયાન કિરણ પરમાર નામના એક સુપરવાઈઝર મળી આવ્યા, જેમણે કબુલ્યું કે આ તમામ દસ્તાવેજો ગૌતમ સોલંકીએ પૂરાં પાડ્યા છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ગૌતમ સોલંકી ONGCના ફાઇનાન્સ વિભાગમાં કામ કરતો હતો અને પોતાની ઓળખનો લાભ લઇ લોકોને નોકરી અપાવવાનું વચન આપીને નકલી દસ્તાવેજો બનાવી તેમને છેતરતો હતો.
નોકરીના નામે રૂપિયા પડાવ્યા
આરોપીએ નોકરી મેળવવા ઇચ્છુક યુવકો માટે જાહેર જાહેરાતો પણ આપી હતી અને ખોટાં ઇન્ટરવ્યુ યોજ્યાં હતા. પસંદ થયેલા યુવકોને ONGCના ઓઈલ વેલ સાઇટ પર લઈ જઈને ફોટા પડાવતાં અને ટ્રેનિંગનું નાટક રચાતું. ઘણા યુવકોને 8 થી 10 દિવસ સુધી તાલીમના નામે કામ પણ કરાવાયું હતું, જેથી તેમને વિશ્વાસ થાય કે તેઓ ખરેખર નોકરી પર છે.
આખરે સચ્ચાઈ બહાર આવી
જ્યારે ONGCના વિજિલન્સ વિભાગે ઘટનાની માહિતી મેળવી અને આંતરિક તપાસ શરૂ કરી, ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. આરોપી ગૌતમ સોલંકીની વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસે વધુ પુછપરછ શરૂ કરી છે અને તપાસ કરી રહી છે કે આવા બનાવમાં વધુ કોઇ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં.