ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ કોરોના કાળમાં યોજાય એવી શક્યતા છે. ચૂંટણી પંચે પાંચ રાજ્યોની ચૂંટણીમાં જાહેર સભા, રેલીઓ, રોડ શો અને નુક્કડ મીટીંગો પર પાબંદી લાગુ કરી દીધી છે અને ડિજીટલ રીતે પ્રચાર કરવાને મંજુરી આપી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મુસ્લિમ ધારાસભ્ય વિધાનસભામાં જોવા નહીં મળે તેવી રાજકીય સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભામાં ત્રણ મુસ્લિમ ધારાસભ્યો છે. જે પૈકી બે અમદાવાદના છે અને એક મોરબી જિલ્લાના છે. કોંગ્રેસે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કચ્છ, ભરુચની વાગરા, સુરતની સુરત પશ્ચિમ અને માં મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી હતી. જ્યારે ત્રણ જ મુસ્લિમ ઉમેદવારો જીતી શક્યા હતા.
આમ જોવા જઈએ તો મુસ્લિમોને કોંગ્રેસે છ બેઠક પર ચૂંટણી લડાવી હતી. એટલે કે પચાસ ટકા પરિણામ મળ્યું છે. સુરત પશ્ચિમની સીટને આમાં નહીં ગણીએ કારણ કે આ સીટને સામે ચાલીને ધરી દેવામાં આવી હતી. સુરત પશ્ચિમની સીટમાં મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધનીય છે, પણ મુસ્લિમ ઉમેદવારને ઉભા રાખી શકાય તેવી નથી. તેવું રાજકીય ગણિત છે. સુરત પૂર્વની સીટ એવી છે કે જેમાં મુસ્લિમને ટીકીટ આપી શકાતી હતી પણ આપવામાં આવી ન હતી.
દરિયાપુર
દરિયાપુરમાં ગ્યાસુદ્દીન સામે મોટા પડકારો છે. ઓવૈસીની પાર્ટી તો છે જ, સાથે સાથ આમ આદમી પાર્ટી પણ છે. જીતનો ગાળો નોંધનીય છે પણ મુસ્લિમ મતોનું વિભાજન ગ્યાસુદ્દીન માટે મોટી મુશ્કેલી સર્જી શકે એમ છે. એટલે ગ્યાસુદ્દીન શેખ પોતાની કામગીરી અને ધારાસભ્ય તરીકેના પર્ફોમન્સના આધારે પ્રચાર કરશે. ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલા જમાલપુરની જેમ દરિયાપુરમાં પણ ખાસ્સા સક્રીય છે. આપ દ્વારા પણ દરિયાપુર પર બાજ નજર રાખવામાં આવી રહી છે. મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ સીધી રીતે ભાજપને ફાયદો આપી શકે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે અને જો ત્રણેય પાર્ટીઓ મુસ્લિમને જ ટીકીટ આપે તો દરિયાપુરમાં મુસ્લિમનું જીતવું મુશ્કેલ જ નહીં પણ અસંભવ બની શકે એમ છે.

દરિયાપુર વિધાનસભાની તરેહ જોઈએ તો 2017માં ભાજપના ભરત બારોટની સામે કોંગ્રેસે ગ્યાસુદ્દીન શેખને રિપીટ કર્યા હતા. 2012માં પણ ગ્યાસુદ્દીન શેખ ભરત બારોટની સામે જ જીત્યા હતા. 2017માં ગ્યાસુદ્દીન શેખને 63,712 વોટ મળ્યા હતા. ભાજપના ભરત બારોટને 57,525 વોટ મળ્યા હતા. આમ ગ્યાસુદ્દીન શેખ 6,187 વોટથી ચૂંટણી જીત્યા હતા. તો 2012માં આ જ ભરત બારોટને 58,346 વોટ મળ્યા હતા અને ગ્યાસુદ્દીન શેખને 60,967 વોટ મળ્યા હતા.2,621 વોટથી 2012માં ગ્યાસુદ્દીન શેખ વિજેતા થયા હતા. 2012માં કોંગ્રેસની લીડ બે હજારની આસપાસ હતી પણ 2017માં વધીને છ હજારની આસપાસ આવી ગઈ હતી.
જમાલપુર-ખાડીયા
2017ની વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભા મતક્ષેત્રમાં કોંગ્રેસ ઉમેદવાર ઈમરાન ખેડાવાલાને 75,346 વોટ મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટ( અશોક ભટ્ટના પુત્ર)ને 46,007 વોટ મળ્યા હતા. જ્યારે એનસીપીના હબીબ શેખને 3,474 વોટ મળ્યા હતા. 58 ટકા વોટ કોંગ્રેસના ઉમેદવારને મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 35 ટકા વોટ મળ્યા હતા. કુલ 1,29,374નુ વોટીંગ થયું હતું. કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા 29,339 વોટના સારા એવા માર્જિનથી આ સીટ જીત્યા હતા.

2012ની વાત કરીએ તો આ જ સીટ પર ભાજપનો ફાંકડો વિજય થયો હતો. 2012માં ભાજપના ભૂષણ ભટ્ટને 48,058 વોટ મળ્યા હતા. કોંગ્રેસના સમીર ખાન પઠાણને 41,727 વોટ મળ્યા હતા તો અપક્ષ તરીકે ઉભા રહેલા સાબીર કાબલીવાલાને 30,513 વોટ મળ્યા હતા.ભાજપના ભૂષણ ભટ્ટ 6,331 વોટથી ચૂંટણી જીત્યા હતા.
હવે સ્થિતિ બદલાઈ છે. સાબીર કાબલીવાલા પોતે ઓવૈસીની પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે. 2012મા સાબીર કાબલીવાલા 30 હજાર મત લઈ ગયા હતા. જો આવનારી ચૂંટણીમાં સાબીર કાબલીવાલા કે તેમના સમર્થિત ઉમેદવારને ઓવૈસીની પાર્ટી ટીકીટ આપે છે તો ઈમરાન ખેડાવાલા માટે મોટી મોકાણ સર્જાઈ શકે છે. સીધી રીતે ફાયદો ભાજપને થાય એમ છે. ઓવૈસી, આપ અને કોંગ્રેસમાં મુસ્લિમ મતોનું વિભાજન થવાની પૂરેપૂરી શક્યતા છે અને તેનો ફાયદો ભાજપને થાય. ગઈ ચૂંટણીની સરસાઈ બહુ વધારે નથી, એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે અને 2012માં કાબલીવાલાને મળેલા મતો સ્પષ્ટપણે દર્શાવે છે કે કાબલીવાલા આ સીટનું પરિણામ બદલવા માટે સક્ષમ છે.
વાંકાનેર
મોરબી જિલ્લામાં આવેલી વાંકાનેર વિધાનસભાનું ગણિત પણ અટપટું છે.2017માં કોંગ્રેસના મહંમદ જાવેદ પીરઝાદાને 72,588 વોટ મળ્યા હતા. ભાજપના જીતુ સોમાણીને 71,227 વોટ મળ્યા હતા તો અપક્ષ ગોરધનભાઈ સરવૈયાને 25,547 વોટ મળ્યા હતા.આમ જાવેદ પીરઝાદાનો 1,361ની નજીવી સરસાઈથી જીત થઈ હતી.

2012ની વાત કરીએ તો જાવેદ પીરઝાદાએ જીતુ સોમાણીને જ હરાવ્યા હતા. તે વખતે જીતુ સોમાણીને 53,737 વોટ મળ્યા હતા અને જાવેદ પીરઝાદાને 59,038 વોટ મળ્યા હતા.આમ જાવેદ પીરઝાદાનો 5,301 વોટથી વિજય થયો હતો.
જાવેદ પીરઝાદાએ આ સીટને ટકાવી રાખવા માટે નવવેજા પ્રયાસો કરવા પડશે. કારણ કે સ્થિતિ બદલાઈ છે. મુસ્લિમ મતોનું મોટાપાયા પર ધ્રુવીકરણ થઈ રહ્યું છે અને આ બાબત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું છે.