પાટીદારોને અનામત અંગે પાછલા ત્રણ વર્ષથી કોણીએ ગોળ લગાડી રહેલી ગુજરાતની ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત બાદ ભીંસમાં મૂકાઈ જવા પામી છે. અત્યાર સુધી ગુજરાત ભાજપના નેતાઓ સહિત પાટીદાર અનામત આંદોલનને છોડી ગયેલા લોકો પણ એવું કહેતા હતા કે ગુજરાત સરકારે અનામત અંગે નિર્ણય લઈ લીધો છે અને પાટીદારોને અનામતની કોઈ જરૂર નથી પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે સ્પષ્ટતા કરી છે તે જોતાં એટલું ચોક્કસ લાગે છે કે ભાજપે કબુલાત કરી છે કે પાટીદારોને અનામત આપી શકાય છે.
આજે સવારે જાલનામાં મરાઠા સંગઠનોને મળ્યા બાદ હાર્દિક પટેલે કહ્યું હતુ ંકે ગુજરાત સરકાર પાટીદારો અંગે સરવે કરાવે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે. ગુજરાત સરકાર પાટીદારોની આર્થિક અને સામાજિક સ્થિતિ અંગે સરવે કરાવે, હાર્દિકની માંગ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહોર મારી તો પણ ક્યારે સરવે થશે અને કેટલા સમયમા સરવે રિપોર્ટ આવશે તે કહ્યું નથી.
કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી ઢંઢેરામાં પાટીદાર અનામતનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલે આ મુદ્દે કોંગ્રસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી તો ભાજપનું રાવણું કોંગ્રેસ અને હાર્દિકની પાછળ પડી ગયું હતું.
ખૈર આજે નીતિન પટેલે કહ્યું કે પાટીદારોને અનામત આપવા અંગે જજ સુજ્ઞાબેન ભટ્ટની નિગરાની હેઠળ કમિશનની રચના કરવામાં આવી છે અને અન્ય સમાજ દ્વારા પણ અનામતની રજૂઆત કરવામાં આવી છે. જજ સુજ્ઞાબેન ભટ્ટના કમિશન દ્વારા સરવે રિપોર્ટ આવ્યા બાદ અનામત આપવા અંગે રચાયેલા આયોગ દ્વારા સરવે કરવામાં આવશે અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી પાટીદારોને અનામત આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
નીતિન પટેલે વધુમાં એવું પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત યોગ્ય પુરવાર થશે તો ગુજરાત સરકાર પાટીદારો માટે પણ તે દિશામાં આગળ વધશે.
ગુજરાત સરકારે પાટીદારોને અનામતની લોલીપોપ આપેલી છે. અને અગાઉ ઈકોનોમિક રીતે અનામત આપવાની વાત કરી અને તે મુજબ જ અનામતનો નિર્ણય લેવામાં આવશે એવું કહ્યું હતું પરંતુ આજે તેમના નિવેદનમાંથી ઈબીસી ગાયબ હતું પણ તેમણે એટલું જરૂર કહ્યું કે ગુજરાત સરકારે ઈબીસી હેઠળ નિર્ણય કર્યો હતો અને હાલ આ અંગેના કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. મરાઠા સમાજને આપવામાં અનામતનો રિવ્યુ કરી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે,
લોકસભાની ચૂંટણી સામે દેખાતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડા દેખાવના પરિણામે ગભરાયેલી ભાજપ સરકાર હવે પાટીદારોને રિઝવવા નવા દાવ રમી રહી હોવાનું પાટીદાર સમાજના કેટલાક આગેવાનોએ જણાવ્યું છે.