Nitin Patel : સરદારના નામે રાજકારણ ગરમાયું: નીતિન પટેલે કોંગ્રેસ પર દાવ ચલાવતાં કહ્યું – હવે દેશમાં ચાલશે તો ફક્ત સરદારનું નામ!
Nitin Patel : ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પર સીધા પ્રહાર કરતા કહ્યું કે, “કોંગ્રેસને હવે રહી રહીને સરદાર પટેલની યાદ આવી રહી છે. દેશની એકતાને જો સાચી દિશા આપવી હોય, તો હવે લોકોના દિલમાં સ્થાન બનાવવાનું હોય તો સરદારના માર્ગે ચાલવું પડશે, ગાંધી-નેહરુ પરિવારના નામે દેશ નહીં ચાલે.”
મહેસાણાના કડી ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં બોલતા નીતિન પટેલે વધુમાં કહ્યું, “કોંગ્રેસને આલિયા, માલિયા, જમાલિયા જેવા નામોથી હવે કંઈ પણ મળવાનું નથી. આજે કોંગ્રેસને સમજાયું છે કે દેશના જનમનમાં હજુ પણ સરદાર વલ્લભભાઈ પટેલ વસે છે.”
તેમણે વકફ કાયદાને લઈને પણ કોંગ્રેસ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. નીતિન પટેલે કહ્યું, “વકફ કાયદો એવો છે કે મુસ્લિમ વ્યક્તિ માત્ર દાવો કરીને જમીન વકફ બોર્ડને આપી શકે છે, જેને લઈને વર્ષો સુધી અનાજ ઉભું કરનાર ખેડૂત દુઃખી થતો રહ્યો. પણ હવે અમારી સરકાર નવા કાયદા દ્વારા ન્યાય લાવી રહી છે.”
નીતિન પટેલના આ નિવેદનોથી સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી ચૂંટણી પૂર્વે ભાજપે ફરી એકવાર સરદાર પટેલના ઐતિહાસિક અવતાર અને લોકપ્રિયતાને મુદ્દો બનાવવાનું શરૂ કર્યું છે.