NA approval 10 days: ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે NA મંજૂરી માત્ર 10 દિવસમાં, જમીન શરત ફેરફાર પર પ્રિમિયમમાંથી છૂટ
NA approval 10 days: રાજ્ય સરકારે જમીન સંબંધિત નિયમોમાં ઐતિહાસિક પરિવર્તન કરીને ખેડૂત તેમજ સામાન્ય નાગરિકોને મોટી રાહત આપી છે. હવે રાજ્યભરના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં આવેલ નવી, અવિભાજ્ય અથવા શરતવાળી જમીન પણ ‘જૂની શરત’ તરીકે ગણાશે. આ ફેરફારના કારણે ખેડૂતોને હવે જમીન શરત ફેરફાર સમયે ભારે પ્રિમિયમ ચૂકવવાની જરૂર રહેશે નહીં.
રાજ્યના પ્રવક્તા ઋશિકેશ પટેલના જણાવ્યા પ્રમાણે, આ નિયમ મહાનગરો અને શહેરી વિકાસ મંડળ સિવાયના તમામ વિસ્તારોમાં લાગુ થશે. અગાઉ આવી જમીન વેચતી વખતે કે હેતુ બદલતી વખતે કલેક્ટરની મંજૂરી અને મોટી રકમનો પ્રિમિયમ ફરજિયાત હતો, જે હવે નાબૂદ કરાયો છે.
સરકારના આ નિર્ણયથી હવે જમીન માટે બિનખેતી (NA) માટેની અરજી કરનારાને માત્ર 10 દિવસમાં મંજૂરી મળી શકે છે. ઉપરાંત, જમીનના ટાઇટલ સર્ટિફિકેટ અને કાયદેસર કબજાનો દાખલો પણ 30 દિવસની અંદર આપવામાં આવશે.
મહત્વપૂર્ણ વાત એ છે કે હવે જમીન વેચાણ માટે માત્ર છેલ્લાં 25 વર્ષના દસ્તાવેજોની જરૂર પડશે, અગાઉની જેમ અનેક દાયકાની દસ્તાવેજી તપાસ કરવાની જરૂર નહીં રહે. આના લીધે રાજ્યમાં Ease of Doing Business ઉપરાંત “Comfort of Doing Business” તરફ પણ રાજ્ય આગળ વધી રહ્યું છે.