ગાંધીનગર ગુજરાતમાં આયુષ વિભાગની કામગીરી અત્યંત નબળી જોવા મળે છે. કોરોના વાયરસના સંક્રમણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આયુષની ગાઇડલાઇન પ્રમાણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની લોકોને સલાહ આપે છે ત્યારે ગુજરાતમાં આયુષની કામગીરીમાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.
ગુજરાતમાં અન્ય રાજયો કરતાં આયુષ વિભાગની કામગીરી નબળી જોવા મળી રહી છે. તેનું પહેલું એક કારણ એ છે કે એક જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારીને રાજય સરકારે આયુષ વિભાગના ઈન્ચાર્જ ડાયરેકટર તરીકે નીમ્યા છે. આ ઉપરાંત ડેપ્યૂટી ડાયરેકટર આયુર્વેદ અને ડેપ્યૂટી ડાયરેકટર હોમીયોપેથીનો પણ ચાર્જ તેમની જ પાસે છે. અલબત્ત, હાલમાં આ અધિકારી જિલ્લા પંચાયતના આયુર્વેદ અધિકારી તરીકે નિયમિત પોસ્ટિગ ધરાવે છે.
એક જ મહિલા અધિકારી પાસે ચાર-ચાર ચાર્જ હોવાથી આયુર્વેદ સહિતની આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પર માઠી અસર પડી છે. આ મહિલા અધિકારી પાસે પાસે માત્ર 9 વર્ષને અનુભવ છે. જયારે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાંથી એમડી આયુર્વેદની ડિગ્રી મેળવનારા અને 19 વર્ષનો અનુભવ ધરાવતા સિનિયર અધિકારીને સરકારે અમદાવાદમાં મૂકયા છે.
આ જુનિયર અધિકારીના કારણે કોરોના મહામારીની કટોકટી વચ્ચે આખા આયુષ વિભાગના વૈધોમાં નારાજગી જોવા મળી રહી છે. ભાજપના નેતાના સગા હોવાના કારણે આ નિમણૂંક રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાના આક્ષેપો આયુર્વેદના અન્ય અધિકારીઓ કરી રહ્યાં છે.
કોરોના સંક્રમણ સમયે રાજ્ય સરકારના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સમક્ષ એવી માગણી કરવામાં આવી છે કે એક જ અધિકારીને ચાર-ચાર વિભાગોના ચાર્જ આપવામાં આવ્યા છે તે પાછા લઇને બાકીની ત્રણ મહત્વની જગ્યાએ બીજા સિનિયર આયુષ ઓફિસરોને મૂકવામાં આવે.