ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી જુદી-જુદી પરીક્ષાઓમાં ગેરરીતી થાય અથવા તો છબરડા થાય અને પ્રશ્નપત્ર ફૂટી જાય તે વાતમાં હવે કોઈ નવાઈ જેવું રહ્યું નથી. પરંતુ હાલમાં એવી વિગતો બહાર આવી છે કે યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કેલેન્ડર મા ડિસેમ્બર મહિનામાં એક જ મહિનામાં બે વખત તારીખ 28 મી દર્શાવવામાં આવે છે. આ મહિનાનું કેલેન્ડર જોઈને યુનિવર્સિટી કેમ્પસમાં હાલ એવી રમૂજ ચાલી રહી છે કે યુનિવર્સિટી તંત્ર ને પરીક્ષાનું સંચાલન કરતા તો નથી આવડતું પરંતુ વાર્ષિક કેલેન્ડર બનાવતા પણ નથી આવડતું.
હાલમાં આ વાર્ષિક કેલેન્ડર યુનિવર્સિટી ના કર્મચારીઓ દ્વારા whatsapp પર વાયરલ કરવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે હજારોની સંખ્યામાં કેલેન્ડર છપાવીને યુનિવર્સિટી સમગ્ર શહેર અને શહેર બહાર પણ વિતરણ કરી દીધા છે એટલે હવે ભૂલ સુધારી શકાય તેવી કોઈ તક રહી નથી. યુનિવર્સિટીમાં એવી પણ ચર્ચા ચાલે છે કે જે રીતે યુનિવર્સિટી તંત્ર પ્રશ્નપત્ર છાપવામાં ઉત્તર ચકાસવામાં છબરડાઓ કરે છે તેવી જ રીતે કેલેન્ડર છાપવામાં પણ છબરડો કર્યો તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી.