યુનિવર્સિટીની પરીક્ષાઓમાં છબરડાં હવે કોઇ નવી વાત રહી નથી. લગભગ દરેક પરીક્ષામાં કોઇને કોઇ છબરડાં બહાર આવતાં રહે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં લેવામાં આવતી સેમેસ્ટર-૩ની પરીક્ષામા આજે સાયકોલોજી વિષયમાં વિદ્યાર્થીઓ જૂના કોર્સ પ્રમાણે તૈયારી કરીને આવ્યા હતા ત્યારે પરીક્ષામાં નવા કોર્સ પ્રમાણેનુ પ્રશ્નપત્ર પુછવામાં આવતાં વિદ્યાર્થીઓે ભારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળા પછી યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ પરીક્ષા નવેસરથી આગામી તા.૮મીએ લેવાનો નિર્ણય કરવો પડયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલમાં સેમેસ્ટર ૩ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં સાયકોલોજી વિષયમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓને ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’નુ પ્રશ્નપત્ર આપવામાં આવ્યુ હતુ. ખરેખર આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ‘ચાઇલ્ડ સાયકોલોજી’ વિષયની પરીક્ષા આપવાની હતી.
યુનિવર્સિટીના સૂત્રો કહે છે કોર્સમાં ફેરફાર કરવામાં આવ્યો તે અંગે યુનિવર્સિટીએ વેબસાઇટ પર વિગતો પણ મુકી હતી પરંતુ વેબસાઇટ અપડેટ કરવામાં ન આવતાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓની રસીદમા જૂના કોર્સ પ્રમાણે જ વિષયો લખીને આવ્યા હતા. આમ, વિદ્યાર્થીઓને અપાયેલી રસીદ પ્રમાણે જ તૈયારી કરી હોવાછતાં અલગ પ્રશ્નપત્ર આપવામાં આવતાં ભારે હોબાળો થયો હતો.