Mahisagar Youths Drown : મહીસાગરમાં દુઃખદ ઘટના: પાનમ કેનાલમાં હાથ-પગ ધોવા ઉતરેલા ત્રણ યુવાન પૈકી બેના કરૂણ મોત
Mahisagar Youths Drown : મહીસાગર જિલ્લામાં લુણાવાડાના ભાટપુરા ગામ પાસેથી પસાર થતી પાનમ કેનાલમાં આજે દુઃખદ ઘટના સર્જાઈ છે. શહેરા તાલુકાના લાભી ગામના ત્રણ યુવાન કેનાલના પાણીમાં હાથ-પગ ધોવા ઉતર્યા હતા, પરંતુ થોડા પળોમાં જ ઘટના શોકમાં ફેરવાઈ ગઈ જ્યારે ત્રણેય યુવાનો ડૂબી ગયા.
પ્રાથમિક માહિતી મુજબ, યુવાનોનો પગ લપસી જતાં તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બચાવ દળ ઘટના સ્થળે પહોંચી તત્કાળ શોધખોળ શરૂ કરી હતી. દુર્ભાગ્યે, બે યુવાનના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે એક યુવાનને બચાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
કોણ હતા મૃત યુવાનો?
હિતેશ પટેલ
દિલીપ પટેલ
દુર્ઘટનામાં બચી ગયેલો ત્રીજો યુવાન હાલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ અંગે વધુ માહિતી મળવી બાકી છે.
ઉનાળામાં વધતી અકસ્માતોની સંખ્યા
ઉનાળાની ઋતુમાં ઠંડક મેળવવા નદી, તળાવ કે કેનાલ જેવા પાણીના સ્ત્રોતોમાં લોકો ઉતરે છે. તેવા ઘણા લોકો યોગ્ય રીતે તરતા આવડતુ નથી છતાં પણ પાણીમાં ઊંડે જતા હોય છે, જેને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે.
તેમજ, સાવચેતીના અભાવના કારણે અનેક વાર જીવલેણ સ્થિતિ સર્જાતી હોય છે. તંત્ર તરફથી ફરી એક વખત અનુરોધ કરવામાં આવ્યો છે કે લોકો એવા સ્થળોએ જતાં પહેલાં પૂરતી સાવચેતી રાખે…
જો તરતા ન આવડતું હોય તો કોઈપણ જાતના ઊંડા પાણીમાં ન ઉતરવું અને બાળકોને પણ આવા સ્થળોથી દૂરે રાખવા અંગે સખત મર્યાદાઓ રાખવી જોઈએ.