જૂનાગઢઃ શિવભક્તો માટે જૂનાગઢથી માંઠા સમાચાર આવી રહ્યા છે. દર વર્ષે યોજાતા ભવનાથ મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે નહીં યોજાય. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીના અધ્યક્ષતામાં મેયર ધીરુભાઈ ગોહેલ અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સાધુ-સંતો દ્વારા પરંપરા જાળવવા માટે કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવશે. જેમાં, ભક્તોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
જૂનાગઢના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીએ મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. મહાશિવરાત્રીના મેળાની પરંપરા જળવાય તે માટે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવશે. તેમજ સાધુ-સંતો દ્વારા મહાશિવરાત્રીના રાતે રવેડી પણ નિકળશે. શાહીસ્નાન અને પૂજાવિધિની પરંપરા પણ જાળવવામાં આવશે.
આ અંગે વાત કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારના આદેશથી બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોના મહામારીના કારણે આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો નહીં યોજવા માટે સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો મેળાની પરંપરા પ્રમાણે ધ્વજારોહણ કરષે તેમજ પૂજાવિધિ કરશે. મહાશિવરાત્રીની રાતે રવેડી અને મૃગીકુંડમાં સ્નાન થશે. તેમાં પણ કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે. ધ્વજારોહણ, રવેડી પૂજાવિધિમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં’.
જૂનાગઢના ગિરનારના ખોળામાં દર વર્ષે ભવનાથ મહાદેવના મંદિરમાં ધ્વજારોહણ કર્યા બાદ શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે. મહાશિવરાત્રીના રાતે સાધુ-સંતોની રવેડી બાદ મેળો સંપન્ન થાય છે. પાંચ દિવસીય મેળામાં લાખો ભક્તો ઉમટે છે.