દેશભરની 64 શક્તિપીઠો પૈકીની એક એવી પાવાગઢ ડુંગર પર બિરાજમાન માતા કાલિકા માતાજીનું મંદિર 111 દિવસ બાદ આજે ખુલ્યું છે. જેને પગલે ભક્તો દર્શન માટે પહોંચ્યા છે. કોરોના વાઈરસના કહેર અને વિકાસના ચાલુ કામોને લઇને માઈ ભક્તો માટે મંદિર દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 7:30 વાગ્યા સુધી સરકારી ગાઇડલાઇન પ્રમાણે દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોઢા પર માસ્ક પહેરીને દર્શન કરવા માટે માઈ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
જોકે 10 વર્ષથી ઓછી અને 65 વર્ષની ઉપરની ઉમરના લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે. પાવાગઢ મંદિરમાં પ્રસાદ અને ભોજન શાળાની સેવા હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. માચીથી ડુંગર સુધી રોપવે ઉંડનખટોલા સેવા શરૂ કરવા સંચાલકો દ્વારા તૈયારીઓ પુરી કરી લેવાઇ છે, જે ભક્તોને ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તેઓ ઓનલાઇન વેબસાઈટ ઉપરથી માતાજીના દર્શન કરી શકશે.