લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક મામલે ગાંધીનગર પોલીસે વધુ એક યુવકની અટકાયત કરી છે. પોલીસે વહેલી સવારે ત્રણ વાગ્યે આ મામલે અરવલ્લી જિલ્લામાંથી પ્રિતેશ નટવર પટેલ નામના 20 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રિતેશે મનહર પટેલ પાસેથી પેપર ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એલઆરડીપેપર લીક કાંડમાં બાયડ તાલુકો એપી સેન્ટર બની રહ્યાનું સામે આવી રહ્યું છે. કારણ કે પેપર લીક કાંડ મામલે આ પહેલા મનહર પટેલની ધરપકડ તેમજ જયંત રાવલ નામના બીજેપીના કાર્યકરની અટકાયત કરવામાં આવી ચુકી છે. હવે પ્રિતેશ પટેલની પણ અરવલ્લી બાયડ તાલુકાના રસોમ ગામથી અટકાયત કરવામાં આવી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પ્રિતેશને વહેલી સવારે તેના ઘરેથી જ ઉઠાવી લેવામાં આવ્યો હતો. હાલ ગાંધીનગર ખાતે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એલઆરડીનું જે પેપર લીક થયું હતું તેને પાંચ લાખ જેટલી કિંમતમાં વેચવામાં આવ્યું હતું. પ્રિતેશે પેપર ખરીદવા માટે આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરી તે પણ એક પ્રશ્ન છે.