Largest Police Line Gujarat : અમદાવાદમાં કોન્સ્ટેબલો માટે 920 ફર્નિશ્ડ 2BHK ફ્લેટ, 13 માળ અને 18 ટાવર સાથે રાજ્યની સૌથી મોટી પોલીસલાઇન બનાવવાનો પ્રારંભ
આ લાઈનમાં 920 મકાનો હશે, જેમાં 13 માળના 18 ટાવર અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવશે
આ મકાનોમાં ફર્નિચર, પંખા, લાઈટ અને બેડ જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે, જેથી દરેક પોલીસકર્મી અને તેમના પરિવારને યોગ્ય વ્યવસ્થા મળી શકે
અમદાવાદ, ગુરુવાર
Largest Police Line Gujarat : ગુજરાતમાં પોલીસકર્મીઓ અને તેમના પરિવાર માટે યોગ્ય અને આરામદાયક રહેવા માટે ઘણીવાર ચર્ચા થઈ છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે એક નવી અને આધુનિક પોલીસલાઈન બનાવવા જઈ રહી છે, જેમાં કોન્સ્ટેબલો માટે 2BHK ફ્લેટ ફાળવવામાં આવશે, જે તેમને સમગ્ર જીંદગીમાં આરામદાયક અને સુખી જીવન જીવવાની તક આપશે.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રાજ્યની સૌથી મોટી પોલીસલાઈન બનાવવાની યોજના છે. આ પોલીસલાઈનમાં 920 મકાન હશે, જે 13 માળના 18 ટાવરો અને બે માળ પાર્કિંગ બેઝમેન્ટ સાથે બનાવવામાં આવશે. મકાનોમાં ફર્નિચર, પંખા, લાઈટ અને બેડ જેવી મૂળભૂત સુવિધાઓ આપવામાં આવશે, જેથી દરેક પોલીસકર્મી અને તેમના પરિવારને યોગ્ય વ્યવસ્થા મળી શકે.
આ નવા કોમ્પલેક્સમાં 920 પરિવારો માટે ઘરો તૈયાર કરવામાં આવશે, અને બે મકાનોને જોડીને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પણ બનાવવામાં આવશે. આ સ્થળ એ અમદાવાદના એક અદ્યતન પોલીસ સ્ટેશન તરીકે વિકાસ પામશે.
આ મકાનો માટે ખાતમુહૂર્ત ડિસેમ્બર મહિનાના અંત સુધી થવાની શક્યતા છે, અને હવે આ મકાનની ગુણવત્તા જાળવવા માટે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અનુભવી મોનીટરીંગ હેઠળ કામ થઈ રહ્યું છે.