ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવે પર નવરાત્રી દરમિયાન અમદાવાદમાં કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આજે સામે આવેલી અન્ય એક ઘટનામાં કિંજલ દવેને ચાલુ કાર્યક્રમ દરમિયાન હડસેલી બાઉન્સરો સાથે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વિગત મુજજ કિંજલ દવે તેની ટીમ સાથે 23મી ઓક્ટોબરે માઉન્ટ આબુ ખાતે આવેલા રિસોર્ટમાં પ્રોગ્રામમાં ગરબા ગાવા માટે ગઈ હતી. ગરબાના કાર્યક્રમ દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા યુવાનોએ કિંજલ દવે અને તેની ટીમ સાથે રીતસરનો ઝઘડો કર્યો હોવાનું જણાય છે. યુવાનો સ્ટેજ સુધી ઘસી આવ્યા હતા. કેટલાક સમય માટે ગરબાના કાર્યક્રમને બંધ કરી દેવામાં આવ્યો હતો.
વીડિયો જોતાં એવું લાગે છે કે યુવાનોએ કિંજલ દવે અને તેની ટીમ પર જાણે હુમલો કરવાનું પ્રયોજન કર્યું હોય. સ્ટેજ પર ઘસી આવી ગાળાગાળી કરી એક બીજાને ધક્કા મૂક્કી પણ કરી હતી. વચ્ચે પડેલા બાઉન્સરો સાથે પણ યુવાનોએ ઝપાઝપી કરી હતી અને કિંજલ દવેને મારવા સુધીનો પ્રયાસ કર્યો હોવાનું જણાઈ આવી રહ્યું છે.
વીડિયો અંગે કિંજલ દવેનું રિએકશન મળી શક્યું નથી. જોકે, બાઉન્સરોએ કિંજલ દવે ફરતે સિક્યોરીટી ગોઠવી દેતા તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઉશ્કેરાયેલા યુવાનોને બાઉન્સરોએ સ્ટેજની નીચે ઉતાર્યા હતા ત્યાર બાદ કાર્યક્રમ આગળ ધપ્યો હતો. શા માટે યુવાનો ઉશ્કેરાયા તે અંગેની વિગતો જાણી શકાઈ નથી. કિંજલ દવેનો વિરોધ શા માટે કરાયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા મળી શકી નથી. કિંજલ દવેનો આવી રીતે બીજી વાર વિરોધ થયો છે તેને ગુજરાત લોક ગાયિકા પર ખતરો મંડરાઈ રહ્યો છે. અવાર-નવાર બની રહેલી આવી ઘટનાઓને ગુજરાતી ફિલ્મ જગતે વખોડી છે.