Khambhat: ખંભાતના સોખડા GIDCમાં ફેક્ટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
Khambhat આણંદ જિલ્લાના ખંભાત પાસે સોખડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી દવાની એક ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની બાતમી પરથી ગઈકાલે એટીએસે દરોડો પાડી ત્યાંથી 100 કરોડ ઉપરાંતની કિંમતનું ડ્રગ્સ કબજે કરી લીધુ છે. આ જથ્થા સાથે ઝડપાયેલા શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ આરંભાઈ છે. દરોડા પહેલાં સતત 18 કલાક સુધી એટીએસ ટીમે વોચ રાખવા સહિત તકેદારીઓ રાખી સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે.
આણંદ જિલ્લાના ખંભાત સ્થિત સોખડા જીઆઈડીસી વિસ્તારમાં એક ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી રાજ્યની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ને મળતા એટી એસની ચુનંદી ટૂકડી અત્યંત ગુપ્ત રીતે સોખડા જીઆઈ ડીસીમાં ધસી ગઈ હતી.
ત્યાં આવેલી ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં એટીએસે ચકાસણી કરતા તે ફેકટરીમાંથી ડ્રગ્સનું ઉત્પાદન મળી આવ્યું છે. સ્થળ પરથી અંદાજે 100 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ મળ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. દરોડા પહેલાં કોઈપણ જાણકારી લીક ન થાય તેની પુરતી તકેદારી રાખી એટીએસ ટીમ ત્રાટકી હતી.આણંદ જિલ્લાની એસઓજી શાખાને પણ એટીએસ દ્વારા દરોડાની ગંધ આવવા દેવામાં ન આવી હતી અને ખુદ એટીએસે દરોડો પાડી સપાટો બોલાવ્યો હતો. તે કારખાનામાંથી પાંચ શખ્સની હાલમાં અટકાયત બતાવવામાં આવી રહી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ તે ફેક્ટરીમાં મળી આવેલા ડ્રગ્સને આલ્ફાઝોરમ નામની દવા (ટેબ્લેટ) ફોર્મેટ માં કબજે કરવામાં આવ્યું છે. એટીએસે અટકાયતમાં લીધેલા શખ્સોની પૂછપરછ શરૃ કરતા અમદાવાદમાં રહેતા ત્રણ શખ્સે ભાગીદારીમાં ત્રણેક મહિના પહેલાં આ ફેકટરી શરૃ કર્યાનું બહાર આવી રહ્યું છે.
એટીએસના સૂત્રોના જણાવ્યા મુજબ તે ફેકટરીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ચાર લોકો ઝડપાયા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શખ્સો ફેકટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન કર્યા પછી દેશના વિવિધ ભાગોમાં તેને મોકલી આપવાનો મનસુબો ધરાવતા હતા પરંતુ તે પહેલાં એટીએસ ત્રાટકી હતી.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડી 7303 કરોડના નાર્કોટીકસ અને એન્ટી સાયકોટીકસ જપ્ત કરવામાં આવ્યા હતા.
એટીએસે પ્રાપ્ત થયેલી બાતમીની ખરાઈ કર્યા પછી સતત 18 કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું અને અંતે ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાંથી કરોડોની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું હતું.