Gujarat એક તરફ આદિવાસી પટ્ટીનું રાજકારણ ગરમાયું છે. ભરુચમાં આમ આદમી પાર્ટીના એક માત્ર ધારાસભ્ય ચૈતર વસાવાને જેલમાં પુરી દેવામાં આવ્યા બાદ કેજરીવાલ અને FC ભગવંતસિંહ માને ભાજપ અને કોંગ્રેસને ગોટે ચઢાવી દીધા છે. કેજરીવાલે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી માટે આપના ઉમેદવાર જાહેર કરી દેતા ભાજપ અને કોંગ્રેસની ગોટી ફસાઈ ગઈ છે.
લાંબા સમયથી ભાજપ આદિવાસી પટ્ટીને અંકે કરવાની રણનીતિ બનાવી રહી છે. અનેકવિધ પ્રયોગો કરવામાં આવ્યા. કોંગ્રેસમાંથી લગભગ મોટાભાગના આદિવાસી નેતાઓને ભગવો ખેસ ધારણ કરાવી દીધો પણ ભાજપ માટે દરેક વખતે માથાનો દુખાવો થયા કરે છે. ભાજપની રણનીતિ રહી છે કે વિપક્ષના મજબૂત અથવા જાતિ અને જ્ઞાતિના રાજકારણમાં ફિટ બેસે તેવા નેતાને કોઈ પણ ભોગે ભાજપમાં તેડી લાવવા અને વિપક્ષના હાકડા ખોંખરા કરી નાંખવા અને પછી પડ પાસા પોબાર કરી નાંખવા.
ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ આદિવાસી પટ્ટીમાં ચૈતરની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો છે. ભાજપની ઈચ્છા હતી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા ધારાસભ્યોની જેમ ચૈતર વસાવાને સામ,દામ,દંડ ભેદનો પ્રયોગ કરીને ભાજપમાં ખેંચી લાવવા. અત્યારે તો કેજરીવાલે ઈજ્જત સચવાઈ રહે તે માટે ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પણ ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી આવતાં-આવતાં આપમાં જ રહેશે તેવી કોઈ ગેરંટી કેજરીવાલ તો શું ખુદ ચૈતર વસાવા આપી શકે એમ નથી. ભાજપ કોઈ પણ રીતે ચૈતર વસાવાને ભાજપમાં ખેંચી જવા માટે અંતિમ સુધી પ્રયાસો કરશે અને તમામ પ્રકારના પ્રયત્નો કરશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
બીજી તરફ દિગ્ગજ નેતા અહેમદ પટેલના અવસાન બાદ તેમની પુત્રી મુમતાઝ પટેલને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. ચર્ચા મુજબ મુમતાઝ પટેલને કોંગ્રેસ પહેલાં તો વાગરા અથવા જંબુસર વિધાનસભામાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવા માંગતી હતી પરંતુ સ્થિતિ સાનુકુળ ન રહી. હવે લોકસભા માટે કોંગ્રેસની રાષ્ટ્રીય નેેતાગીરીના આશિર્વાદથી મુમતાઝ પટેલે સક્રીય રાજકારણમાં ઝંપલાવ્યું. પરંતુ કેજરવાલે મારેલી સોગઠીથી કોંગ્રેસ સાણસામાં આવી ગઈ છે તો ભાજપની મુરાદ પર પાણી ફેરવાયું છે.