એક સમયે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા રેશ્મા પટેલે આજે ફેસબુક પર પોસ્ટ મૂકી શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાનો મુદ્દો ઉપસ્થિત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આજે બરાબર એક વર્ષ પહેલા રેશ્મા પટેલ અને વરુણ પટેલનો ભાજપમાં વાજતે ગાજતે પ્રવેશ કરી હાર્દિક પટેલને ફટકો મારવાની કોશીશ કરવામાં આવી હતી.
રેશમા અને વરુણના ભાજપમાં જવાથી હાર્દિક પટેલને કોઈ અસર થઈ હોય એવું આજદિન સુધી જણાયું નહીં પણ ભાજપમાં જઈને હોદ્દા મેળવી લીધા બાદ પણ ઈગનોરીઝમનો ભોગ બનેલા બન્ને પાટીદાર યુવા નેતાઓનો ધીમે ધીમે ભ્રમ ભાંગી રહ્યો છે.
રેશ્મા પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકી સ્પષ્ટ રીતે ગુજરાતના સીએમને ચીમકી આપી છે કે શહીદોના પરિવારજનોને નોકરી નહીં આપશો તો આંદોલન કરાશે. રેશ્મા પટેલની પોસ્ટથી જેઓ ફિક્સમાં મૂકાઈ ગયા છે તે ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી અને સુરતના બિલ્ડર વિમલ પટેલ છે. વિમલ પટેલને જીતુ વાઘાણીના ખાસ માનવામાં આવે છે અને તેમની વર્ષો જૂની ભાઈબંધી છે. આજે આ બન્ને જણા માટે રેશ્મા પટેલના બદલાયેલા સૂર રાજકીય રીતે આફત સર્જી શકે એમ છે. ફોટોમા એરોવાળી વ્યક્તિ વિમલ પટેલ છે.
વિગતો મુજબ રેશ્મા પટેલની પોસ્ટ વાયરલ થતાં ડેમેજ ક્ન્ટ્રોલ શરૂ કરી દેવામાં આવ્યું છે અને રેશ્મા પટેલને ઠંડા કલેજેથી કામ લેવાનું જણાવવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. યાદ રહે કે રેશ્મા પટેલના ભાજપ પ્રવેશમાં વિમલ પટેલની મહત્વની અને ચાવીરૂપ ભૂમિકા રહી હતી.