સરકારની કૃષિ વિરોધી નીતિ સામે રાજધાની દિલ્હી ખાતે સેંકડો ખેડૂતોએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડયો છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતોની આવકનું સ્તર પણ સતત કથળતું જઇ રહ્યું છે. ગુજરાતનો એક ખેડૂત મહિને સરેરાશ રૃપિયા ૩૫૨૩ની જ ચોખ્ખી આવક મેળવે છે. ભારતના જે રાજ્યોમાં ખેડૂતોની ચોખ્ખી આવક સૌથી ઓછી હોય તેમાં ગુજરાત નવમાં સ્થાને છે.
ગુજરાતનો ખેડૂત વિવિધ સ્ત્રોતમાંથી દર મહિને સરેરાશ રૃપિયા ૫૭૭૩ની આવક મેળવે છે અને જેમાંથી રૃપિયા ૨૨૫૦નો ખર્ચ થાય છે. આમ, તેની ચોખ્ખી આવક રૃ. ૩૫૨૩ જ હોય છે. ‘પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૭’માં આ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. હરિયાણા, પંજાબની સરખામણીએ ગુજરાતના ખેડૂતોની આવક ત્રીજા ભાગની છે. પંજાબનો ખેડૂત મહિને સરેરાશ રૃપિયા ૧૬૩૪૯ અને હરિયાણાનો ખેડૂત મહિને સરેરાશ રૃપિયા ૧૦૯૧૬ની ચોખ્ખી આવક ધરાવે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ‘પોકેટબૂક ઓફ એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક્સ-૨૦૧૬’ અનુસાર ગુજરાતના ખેડૂતોની ચોખ્ખી આવક રૃપિયા ૭૯૨૬ હતી. આમ, એક વર્ષના ગાળામાં ગુજરાતના ખેડૂતોની માસિક આવકમાં ઘટાડો નોંધાયો છે.
વૈજ્ઞાનિકોના મતે ચોમાસા દરમિયાન એક વિઘા કોટન માટે ખેડૂત સરેરાશ રૃપિયા ૧૩૫૦૦નો ખર્ચ કરે છે. જેમાં બીજ, ખાતર, મજૂરીનો પણ સમાવેશ થાય છે. વરસાદ સારો પડે તો ખેડૂતને ૪૦૦ કિલોગ્રામ કોટનથી રૃપિયા ૨૪ હજારની આવક થાય છે. પરંતુ આ વખતે ૧૦૦ કિલોગ્રામ જ કોટન થતાં તેની આવક રૃપિયા ૫ હજાર સુધી મર્યાદિત થઇ ગઇ છે. આ વખતે ઓછા વરસાદને લીધે ખેડૂતોની આવકનું ગણિત વધુ બગડી શકે છે. જાણકારોનું માનવું છે કે, ગુજરાતમાં નાના અને મધ્યમ ખેડૂતોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મોટા ખેડૂતો મબલખ કમાણી કરે છે જ્યારે નાના-મધ્યમ ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. કેન્દ્ર સરકારે બજેટમાં એવી જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન ઘડાઇ રહ્યું છે. પરંતુ હાલની આ સ્થિતિ જોતાં બમણી આવક પણ સરકારનું હથેળીમાં ચાંદ બતાવવા જેવું જ વધુ એક વચન જણાઇ રહ્યું છે.