Valsad સત્તાવાર મિડિયા હાઉસના પત્રકારોને બદલે ખાનગી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરની વધતી હાજરી અંગે ઉઠ્યા અનેક તર્ક-વિતર્ક!
વલસાડ પંથકમાં આજકાલ પ્રજાના પ્રતિનિધિ ગણાતા નેતાઓ અને અધિકારીઓને સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર નું જબરું વળગણ લાગ્યું છે અને આવા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને ગોદ માં બેસાડી રાખતા હોવાની વાતો હવે ચર્ચાનો વિષય બની છે.
સરકારી ખાતાઓમાં સત્તાવાર પ્રેસ-મીડિયા કરતા પ્રાઇવેટ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર ની હાજરી અને તેઓનો વધતા પ્રભાવ મુદ્દે સામાન્ય જનતા અને બુદ્ધિજીવી વર્ગમાં હવે ચળભળ શરૂ થઈ છે.
સામાન્ય રીતે નેતાઓ-અધિકારીની કામગીરી કે માહિતી જનતા સુધી પહોંચાડવા માટે સરકારમાં સત્તાવાર નોંધાયેલા મિડિયા હાઉસના પત્રકારો સેતુરૂપ બનતા રહયા છે અને તેઓ સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની તાકાત ધરાવતા હોય છે કારણકે આઝાદી બાદ પ્રેસને ચોથી જાગીરની માન્યતા મળેલી છે અને તે હક્ક અને અધિકારને કારણે સત્તાવાર મીડિયા હાઉસ તે વાત રજૂ કરતા હોય છે અને સમયની સાથે આવા સત્તાવાર મીડિયા હાઉસ પ્રિન્ટ- ટીવી અને હવેના ડિજિટલ યુગમાં સોશ્યલ મિડીયા જગતમાં પણ તાકાતવર અને શક્તિશાળી બન્યા છે તેમછતાં કેટલાક સરકારી નેતાઓ અને અધિકારીઓ સરકાર માન્ય મિડિયા-પત્રકારોને સાઈડટ્રેક કરી ખાનગી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરને વધુ પ્રાધાન્ય આપી રહયાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.
તેઓ માત્ર પોતાની એક તરફી વાહવાહી માટે આ પ્રકારની રીત અપનાવવામાં આવી રહી હોવાનું જણાય રહ્યું છે અને આ વાત હવે ચર્ચાનો વિષય બની છે અને કચેરીઓમાં તેમજ નેતા-અધિકારીઓ સાથે પડ્યા પાથર્યા રહેતા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર હવે વલસાડમાં ચર્ચાનો વિષય બન્યા છે.
વલસાડમાં આજકાલ એક નેતા અને એક મોટા ગજાના અધિકારી પણ આવા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરથી સતત ઘેરાયેલા જોવા મળી રહયા છે ત્યારે આ વાત સંબંધિત વર્તુળોમાં ભારે ચર્ચાનો મુદ્દો બની ગઈ છે અને આ મામલે આવા ‘નેતા’ અને ‘અધિકારી’ નાનકડા એવા ટાઉનમાં ચર્ચાઓના વમળમાં અટવાઈ ગયા છે ત્યારે આ નેતાજી અને અધિકારીને શા માટે આવા સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સરનો સહારો લેવાની જરૂર ઉભી થઈ ? તે વાત પણ વિચારવા જેવી છે અને ઉઠી રહેલા અનેક સવાલો વચ્ચે તેનો જવાબ માત્ર નેતા અને સાહેબ જ આપી શકે તેમ હોવાનું જનતા જનાર્દનમાં ચર્ચાઈ રહ્યું છે.