Surat: સુરતના સગરામપુરાના ગેરકાયદે બાંધકામ પર ક્યારે હથોડા ઝિંકાશે? સેન્ટ્રલ ઝોનના અધિકારીઓના રાજમાં બિલ્ડર બન્યો બેફામ
Surat: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સગરામપુરામાં બંધાઈ રહેલા બિલ્ડીંગને લઈ ભારે વિવાદ ઉભો થયો છે. બેફામ બનેલા બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓના કાને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.
Surat વિગતો મુજબ સગરામપુરા ચોગાન શેરીમાં 2/3996 નંબરથી નોંધાયેલી અને સૈયદ પેલેસ તરીકે ઓળખાતી મિલ્કતમાં હાલ બાંધકામ ચાલી રહ્યું છે. નિર્માણ દરમિયાન ગેરકાયદે બાંધકામની વિગતો જાગૃત નાગરિક અને સમાજ સેવકના ધ્યાને આવતા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે અને બિલ્ડરની શાન ઠેકાણે લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં બે માળનું બાંધકામ કરવામાં આવ્યું અને ત્રીજા માળનું બાંધકામ ચાલી રહ્યું છે. પ્લાન પાસ કરવાની કોપીથી લઈને અનેક બાબતો અંગે અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અત્યાર સુધી કાર્યવાહી કરી હોવાનું જણાઈ આવી રહ્યું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં બાંધકામ દરમિયાન બે બિલ્ડીંગ વચ્ચે હવા-ઉજાસ માટે છોડવાની રહેતી જગ્યા પણ છોડવામાં આવી નથી. આ ઉપરાંત પાછળના ભાગે એક ગલી હતી તે ગલીને પણ કવર કરી નાંખવામાં આવી છે. બાંધકામમાં બાલ્કની કવરથી લઈને અનેક પ્રકારના પ્લાન વિનાના બાંધકામનાં છીંડા જોવા મળી રહ્યા છે. પ્લાનમાં જે છૂટ આપવામાં આવી નથી તે છૂટ લઈને પણ બાંધકામ કરી નાંખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.