ગાંધીનગર- કોરોનાનો કહેર વધતો રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ સામે તૈયારી રાખવા રાજ્ય સરકારે 26 જિલ્લામાં 31 કોવિડ હોસ્પિટલો બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. સરકારે દાવો કર્યો છે કે રાજ્યમાં કુલ 9464 બેડની ક્ષમતા ઉભી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની સઘન સારવાર સુશ્રુષા માટે રાજ્યના ર૬ જિલ્લાઓમાં ૩૧ જેટલી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હોસ્પિટલો એપીડેમિક એકટ ૧૮૯૭ અને ધી ગુજરાત એપીડેમિક કોવિડ-19 રેગ્યુલેશન ર૦ર૦ અંતર્ગત કાર્યરત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય મત્રીમંડળના આ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતાં કહ્યું હતું કે રાજ્યમાં આવી ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલોના રોજબરોજના સંચાલન, કામકાજ અને નિયંત્રણ દેખરેખ માટે એક મેનેજમેન્ટ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. આવી ડેડિકેટેડ કોવિડ-19 જાહેર થયેલી આ ખાનગી હોસ્પિટલોના આરોગ્ય, તબીબી, પેરામેડિકલ સ્ટાફને જવાબદારીઓ પણ સોંપી દેવામાં આવી છે.
કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્ય સરકારે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લામાં ઉપલબ્ધ કોઇ પણ ડૉકટર અને પેરામેડિકલ સ્ટાફની સેવાઓ આ રોગ નિયંત્રણ હેતુસર લેવા માટેના સત્તાધિકારો પણ આપ્યા છે. રાજ્યમાં હાલની સ્થિતીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં કુલ રર૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ-19 હોસ્પિટલ કાર્યરત છે. અન્ય ર૮ જિલ્લામાં કુલ ૩ર૦૦ બેડની ક્ષમતા અને વેન્ટીલેટર તથા ICUફેસેલીટીઝ સાથેની હોસ્પિટલો ખૂબ જ નજીકના ભવિષ્યમાં શરૂ થવામાં છે.
જે ર૬ જિલ્લાઓમાં ૩૧ ખાનગી હોસ્પિટલોને ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી છે તેની યાદી પ્રમાણે અરવ્વલી- કે.કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડલ (ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રક (૩૧૨ બેડ), સાબરકાંઠા- મેડીસ્ટાર હોસ્પિટલ હિંમતનગર (૧૦૦ બેડ), બનાસકાંઠા-ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા (૧૦૦ બેડ), પાટણ-પાટણ જનતા હોસ્પિટલ (૨૨૫ બેડ), મહેસાણા-સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ (૩૦૦ બેડ), આણંદ-ઝાયડસ હોસ્પિટલ (૧૧૦ બેડ), ખેડા-ડૉ. એન. ડી. દેસાઇ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ નડિયાદ (૩૩૩ બેડ), મહિસાગર-કે.એમ.જી. જનરલ હોસ્પિટલ, બાલાસિનોર (૧૦૦ બેડ), પંચમહાલ-શ્રી નારાયણ આઇ હોસ્પિટલ તાજપુરા-હાલોલ (૧૦૦ બેડ), દાહોદ-સમીર ઓર્થોપેડીક હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર (૧૦૦ બેડ), છોટાઉદેપુર- મેડિટોપ લાઇફકેર હોસ્પિટલ (૧૦૦ બેડ) અને ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ બોડેલી (૧૦૦ બેડ), નર્મદા-આર્યુવેદિક હોસ્પિટલ રાજપીપળા (૧૦૦ બેડ), ભરૂચ-જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર (૧૦૦ બેડ) અને તાપી-કાલીદાસ હોસ્પિટલ (વ્યારા-૧૦૦ બેડ), નવસારી-યાસ્ફીન કાર્ડિયાક હોસ્પિટલ (૧૧૦ બેડ) અને ઉદીત હોસ્પિટલ એન્ડ આઇસીયુ (વાંસદા (૧૦૦ બેડ), વલસાડ-શ્રેયસ મેડિકેર હોસ્પિટલ વાપી (૧૦૦ બેડ), અમરેલી-નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ હોસ્પિટલ(૧૫૦ બેડ), બોટાદ-વ્હાઇટ હાઉસ, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર (૧૦૦ બેડ), જામનગર-આર્મી હોસ્પિટલ (૧૦૦ બેડ), દેવભૂમિ દ્વારકા-સાકેત હોસ્પિટલ જામખંભાળિયા (૧૦૦ બેડ), ગીરસોમનાથ-આદિત્યા બિરલા હોસ્પિટલ વેરાવલ (૧૦૦ બેડ), અને અંબુજા હોસ્પિટલ કોડીનાર (૧૦૦ બેડ), જુનાગઢ-કલ્પ હોસ્પિટલ (૨૦૦ બેડ), પોરબંદર-શ્રી મોરારજી ખેરાજ ઠકરાર હોસ્પિટલ (૧૨૦ બેડ), મોરબી-ક્રિષ્ણા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (૧૦૨ બેડ), કચ્છ-સ્ટેર્લીંગ રામક્રિષ્ણા સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામ (૧૦૨ બેડ), હરિઓમ હોસ્પિટલ ગાંધીધામ (૧૦૦ બેડ), વાયેબલ હોસ્પિટલ ભૂજ (૧૦૦ બેડ), ભાવનગર-એચ.સી.જી હોસ્પિટલ (૧૦૦ બેડ) એમ કુલ ૪૦૬૪ની બેડ ક્ષમતા ધરાવતી હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે.