Holi 2025 : હોળીનો રંગહીન તહેવાર! શાપના કારણે ગુજરાતના આ ગામમાં હોળી પ્રજ્વલિત થતી નથી
Holi 2025 : હોળીનો તહેવાર સમગ્ર દેશમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે, પરંતુ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામ વર્ષોથી આ પરંપરાથી અળગું છે. આ ગામમાં છેલ્લા 213 વર્ષથી હોળી પ્રજ્વલિત કરવામાં આવતી નથી.
શરુઆત કેવી રીતે થઈ?
આ ગામ પૌરાણિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે અને માન્યતા અનુસાર ભગવાન શ્રીરામે અહીં રામેશ્વર મહાદેવની પૂજા કરી હતી, જેના કારણે ગામનું નામ રામસણ પડ્યું. આજે લગભગ 10 હજારની વસ્તી ધરાવતું આ ગામ એક અનોખી પરંપરા માટે જાણીતું છે – અહીં હોળી પ્રજ્વલિત કરવામાં આવતી નથી!
હોળી પ્રગટાવવા જ શરુ થયો વિનાશ!
સાંસ્કૃતિક વારસો ધરાવતા આ ગામમાં બસ્સો સાત વર્ષ પહેલા એક ભયાનક ઘટના બની. ગામમાં લોકો હોળી પ્રગટાવી રહ્યા હતા, ત્યારે અચાનક આગ ફાટી નીકળી અને ગામના અનેક મકાનો બળી ગયા. આગ કેવી રીતે લાગી તે આજ સુધી ગૂંચવણભર્યું છે, પરંતુ લોકમાન્યતા અનુસાર ગામના રાજાએ સાધુ-સંતોનું અપમાન કર્યું હતું, જેના કારણે તેમણે શ્રાપ આપ્યો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે.
ફરીથી કોશિશ થઈ તો શું બન્યું?
આ ઘટના પછી ગામલોકોએ ફરી એકવાર હોળી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફરી એકવાર ભયાનક આગ લાગી. ફરી જ્યારે ગામમાં હોળી પ્રગટાવવામાં આવી, ત્યારે પણ અચાનક આગ ભભૂકી ઉઠી. ત્રણ વાર આ રીતે આગ લાગતા લોકોમાં ભય વ્યાપી ગયો અને ત્યારથી આજ સુધી ગામમાં હોળી પ્રજ્વલિત કરવાનું બંધ કરી દેવાયું.
આજે પણ જીવંત છે ભય અને પરંપરા
213 વર્ષ પછી પણ, ગામના વડીલો હજુ પણ આ ઘટનાને યાદ કરીને ધ્રુજી ઉઠે છે. નવતર પેઢીને પણ હોળી પ્રગટાવાની પરંપરા વિશે માહિતી નથી. જો કે, આ ગામ હોળી પ્રજ્વલિત કરતું નથી, પરંતુ ધુળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે અને ગામલોકો એકત્ર થઈ પ્રસાદ વહેંચે છે…આ ગામની આ અનોખી પરંપરા આજ સુધી અકબંધ છે – શાપ કે અંધશ્રદ્ધા? એ પ્રશ્ન આજ પણ ચર્ચાનો વિષય છે!