પાટીદાર અનામત આંદોલન હવે નવેસરથી શરૂ થાય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની ભાજપ સરકારે મરાઠાઓને અનામત આપી દેતા ગુજરાતની ભાજપ સરકાર સામે વધારે તીવ્રતાથી આંદોલન કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ તૈયારી કરી રહ્યા હોવાનું જણાઈ આવી રહ્યું છે.
હાર્દિક પટેલ આજે મહારાષ્ટ્રના જાલના જિલ્લાની મુલાકાત લીધી હતી. મરાઠા અને પાટીદાર અનામતને લઈ બન્ને સમાજના લોકોએ આગામી દિવસોમાં રણનીતિ નક્કી કરવા માટે વિચારણા કરી હતી.
હાર્દિકે કહ્યું કે ઓબીસી કમિશનના સરવેમાં મરાઠાવાડ અને વિદર્ભના મરાઠી લોકો સામાજિક અને આર્થિક રીતે સૌથી વધુ પછાત હોવાનું નોંધાયું છે. ઓબીસી કમિશન જો ગુજરાતમાં પાટીદાર સમાજનો આર્થિક અને સામાજિક સરવે કરશે તો દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જશે.
હાર્દિકે કહ્યું કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડુતો, પાટીદાર સામાજિક, આર્થિક, શૌક્ષણિક અને રોજગારને લઈ પછાત રહી ગયા છે. શહેરોમાં રહેતો પાટીદાર આર્થિક રીતે પછાત છે. ગુજરાત સરકારને અમારી અપીલ છે કે પાટીદાર સમાજનો એક વાર ઓબીસી સરવે થવો જોઈએ. જો ઓબીસી સરવે કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે.