પાછલા સાડા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા અને ભાજપ સરકારની નીતિઓ વિરુદ્વ પ્રચાર કરતા યુવા નેતા હાર્દિક પટેલ જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. વાંચીને આંચકો લાગ્યો હોય તે હવે આગળ વાંચો કે શું કારણ છે.
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને માત્ર ત્રણ કલાકમાં જ મંત્રી બનેલા કુંવરજી બાવળીયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપની આખી ફોજ કામે લાગી ગઈ છે. પરંતુ 2015થી ભાજપની નીતિ-રીતિઓની ટીકા કરી પ્રચાર કરતો હાર્દિક પટેલ આ વખતે ભાજપ વિરુદ્વ પ્રચાર કરશે નહીં. પ્રચાર નહીં કરવાનું કારણ એ છે કે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના અન્ય પ્રોગ્રામોમાં બિઝી છે. પાટીદાર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની હોવાથી હાર્દિક જસદણની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી વિરુદ્વ પ્રચાર કરશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે 2015થી લઈને આજદિન સુધી હાર્દિક પટેલે નાની મોટી તમામ ચૂંટણીમાં ભાજપનું બેન્ડ વગાડી નાંખ્યું છે અને ભાજપે પણ હાર્દિક સામે વળતા પ્રહાર અને કેસ કરવામાં કશું બાકી રાખ્યું નથી. હાર્દિકની જસદણ ચૂંટણીમાં પ્રચાર કરવાનો ઈન્કારની વાતને લઈ અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે.
હાર્દિકના પ્રચાર અને જંગી સભાઓના કારણે કોંગ્રેસને મોટો ફાયદો થયો જ છે અને જસદણમાં હાર્દિક પ્રચારમાં ગેરહાજ રહેશે તો ચોક્ક્સપણે કોંગ્રેસને ફટકો પડશે. આજે હાર્દિકે રાજસ્થાનના ઉદેપુરમાં જંગી સભા કરી ખેડુતોના પ્રશ્ને ભાજપ સરકારોને આડે હાથે લીધી હતી. હાર્દિકની સભામાં હકડેઠઠ મેદની હાજર રહી હતી.